બનાસકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને લઈ હાહાકાર મચ્યો છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસને લઈ જિલ્લા તંત્ર એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને ગુજરાતમાં મળી આવેલા 8 પોઝિટિવ કેસોના પગલે સમગ્ર ગુજરાતના આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. હાલ બહારથી આવતા લોકોની તમામ પ્રકારનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે અને કોરોના વાઇરસના લક્ષણ જણાય તો તેવા લોકોની તાત્કાલિક સારવાર કરવામાં આવી રહી છે અને લોકો જાતે પોતાની સલામતીનું ધ્યાન રાખે તે માટે અવાર-નવાર સરકાર દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે.
કોરોના વાઇરસ મામલે તંત્ર એલર્ટ, બહારથી આવતા લોકોની કરવામાં આવે છે તપાસ
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસને અટકાવવા માટે જિલ્લા તંત્ર એલર્ટ બની ગયું છે અને હાલ બનાસકાંઠા જિલ્લામાં કોઈ એક જગ્યા વધુ લોકો ભેગા ન થાય તે માટે 144 કલમ લાગાવવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે તંત્ર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ ધારા 144 લાગુ કરી જાહેર સ્થળો ઉપર ચારથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ લાદ્યો છે. જેથી હોટલ, મલ્ટિપ્લેક્સ, લાઈબ્રેરી, બગીચા, પાન મસાલાના ગલ્લાઓ સહિત મંદિરોને પણ બંધ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોરોના અંગે લોકોમાં જાગૃતિ આવે અને અંતરીયાળ વિસ્તારોમા રહેતા લોકો પણ જાગૃત થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્પીકર સાથે રીક્ષાઓ ફેરવવામા આવી રહી છે અને લોકોને કોરોના અંગે જાગૃત કરી 22 માર્ચના રોજ સંપૂર્ણ બંધ પાળી જનતા કરફ્યૂનું પાલન કરે તે માટે જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા પણ ડીસા સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ડૉક્ટરો અને દર્દીઓને જાગૃત રહેવા તેમજ હોસ્પિટલમાં પુરતી સુવિધાઓ સજ્જ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેમાં ગુજરાતના પડોશી રાજ્યોમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ જોવા મળ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં આ વાઇરસ વધુના ફેલાય તે માટે ગુજરાત બહારથી આવતાં લોકો પર પણ આરોગ્ય વિભાગ ચાંપતી નજર રાખી રહ્યું છે અને ગુજરાત બહારથી આવેલા તમામ લોકોને જો કોઈ કોરોનાના લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરી આઈશોલેશનમાં રાખવા અને જો સામાન્ય હોય તો આવા લોકોને હોમ કોરોન્ટાઇનમાં રાખવામાં આવી રહ્યા છે.
બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક જગ્યા પર બહારથી આવતા લોકો પર હાલ જિલ્લા તંત્ર દ્વારા પૂરતી નજર રાખવામાં આવી રહી છે અને બહારથી આવતા લોકોની મુલાકાત લઈ તેમની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંચ કોરોના વાઇરસની અસર જણાય તો તેવા લોકોને આરોગ્ય વિભાગની દેખ-રેખમાં રાખવામાં આવે છે. જેના કારણે અન્ય લોકોમાં કોરોના વાઇરસની અસર થાય નહીં.