પાલનપુર: બનાસકાંઠા જિલ્લોએ રાજસ્થાનની સરહદે આવેલો છે. અવાર નવાર રાજસ્થાની લોકો દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થો ઘુસાડવામાં આવે છે. જેમાં ખાસ કરીને મોટા ભાગે આવા લોકો દ્વારા સૌથી વધારે બનાસકાંઠા જિલ્લામાંથી દારૂ અને પોષડોડા રાજસ્થાનમાંથી વેચાણ અર્થે મોકલવામાં આવે છે.
બનાસકાંઠા: ધાનેરામાં SOG પોલીસે પોષડોડાના જથ્થા સાથે એક આરોપીની કરી ધરપકડ
બનાસકાંઠાના ધાનેરામાં એક રહેણાંક મકાનમાંથી એસ.ઓ.જી પોલીસે ગેરકાયદેસર પોષડોડાના મોટા જથ્થાને ઝડપી પડ્યો છે. જેમાં પોલીસે પોષડોડાના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
તમામ પ્રકારની ચેકપોસ્ટ અને પોલીસ ચોકી હટાવી દેવામાં આવતા પાડોશી રાજ્યોમાંથી મોટા ભાગે ગેરકાયદેસર વસ્તુઓ મોકલવામાં આવે છે. ત્યારે કેટલીક વાર પોલીસને બાતમી મળતા ગેરકાયદેસર વસ્તુઓ ઝડપાતી હોય છે.
ધાનેરામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર પોષડોડાના જથ્થાની હેરાફેરી થતી હોવાનું ફરિયાદ મળતા એસ.ઓ.જી પોલીસે ગુરુવારે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં ધાનેરાની લીલાશ સોસાયટીના એક મકાનમાં બાતમીના આધારે તપાસ હાથ ધરતા પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં 101 કિલો પોષડોડા સહિત 3.16 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જ્યારે પોષડોડાની હેરાફેરી કરતા અશોક સાધુ નામના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરતાં તે બબા નામના મિત્ર સાથે મળી આ પોષડોડાનો ધંધો કરતો હતો. એસ.ઓ.જી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.