એક તરફ દેશના રાજકારણના તમામ નેતાઓ ચૂંટણી પંચ મતદાન પ્રત્યે મતદારોમાં જાગૃતિ લાવવાના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તો બીજી તરફ આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલા યુવા મતદારોના મતદાન પ્રત્યેના ઉત્સાહને વહીવટી તંત્ર ઠેશ પહોંચાડી રહ્યું છે.
ડીસા શહેરમાં રહેતી ભાવિની ગંગવાણી યુવા મતદાર છે. તેને પણ આગામી ચૂંટણીમાં મતદાન કરવાની ઈચ્છા છે. જેથી પરિવારજનોએ ભાવિનીનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હતું, પરંતુ મતદાન માટે સૌથી જરૂરી પૂરાવો માનવમાં આવતા મતદાર ઓળખકાર્ડ મેળવવા માટે ભાવિનીના પરિવારજનો છેલ્લા 6 માસથી ધક્કા ખાઈ રહ્યા હોવા છતાં ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ મળતું નહોતું. આખરે કંટાળીને ભાવિનીની માતાએ આ સમસ્યાના નિવારણ માટે વડાપ્રધાનને પત્ર લખ્યો હતો.
મહિલાના પત્રનો આપ્યો વડાપ્રધાને જવાબ તો આ પત્રનો વડાપ્રધાને આ બાબતે ગંભીરતા દર્શાવીને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને ભાવિનીનું મતદાર ઓળખ કાર્ડ કાઢી આપવાની સૂચના આપી દીધી. તો આ મામલે વડાપ્રધાનની લેખિત સૂચનાથી સ્થાનિક વહીવટી તંત્ર કે જે છેલ્લા 6 માસથી ભાવિનીનું મતદાર ઓળખકાર્ડ નિકાળી નહોતું આપતું તે જ વહીવટી તંત્ર તાત્કાલિક ભાવિનીના માતાનો સંપર્ક કરીને ઘરે બેઠા મતદાર ઓળખકાર્ડ આપી ગયું. તો આ મામલે વડાપ્રધાન દ્વારા ડીસા જેવા નાનકડા શહેરની એક મહિલાની અરજી પર આટલી ગંભીરતા દર્શાવવામાં આવતા ભાવિનીની માતાએ પણ પ્રધાનમંત્રીને સાચા ચોકીદાર માન્યા છે.
પ્રધાનમંત્રીએ પોતાના સોશિયલ ઍૅકાઉન્ટ પર ચોકીદાર શબ્દનો ઉપયોગ કર્યા બાદ વિપક્ષો ચોકીદાર ચોર જેવા શબ્દોનો ઉપયોગ કરીને પ્રધાનમંત્રીની મજાક ઉડાવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાને ડીસા જેવા નાનકડા શહેરની મહિલાના પત્રનો લેખિતમાં જવાબ આપીને પોતે સાચા અર્થમાં ચોકીદાર હોવાનું સાર્થક કરી બતાવ્યું છે.