બનાસકાંઠાઃ આમ તો શ્રાવણ માસને હિંદુ ધર્મનો પવિત્ર મહિનો માનવામાં આવે છે, આ મહિના દરમિયાન હિંદુ ધર્મના તમામ ભક્તો ભગવાન ભોળાનાથને પૂજા અર્ચના કરતા હોય છે. પરંતુ આ મહિનામાં સૌથી વધુ જુગાર પણ રમાય છે. પોલીસની રહેમ નજર હેઠળ બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાઓ પર મોટા-મોટા જુગાર ધામ ચાલતા હોય છે, પરંતુ કેટલીક વાર પોલીસને મળતી બાતમીના આધારે જુગારધામ પર પોલીસે દરોડા પાડી જુગારીયાઓને ઝડપી પાડતી હોય છે.
ડીસામાં અલગ-અલગ વિસ્તારોમાં પોલીસના જુગારધામ પર દરોડા, 14 જુગરિયાઓ ઝડપાયા
જુગાર રમતા શખ્સો પર બનાસકાંઠા જિલ્લા પોલીસ તવાઈ વરસાવી રહી છે અને ડીસામાં સોમવાર મોડી રાત્રે અલગ-અલગ બે વિસ્તારોમાં દરોડા પાડી 35 હજારના મુદ્દામાલ સાથે 14 જુગારીઓ રંગેહાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર માસ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ જુગારીયાઓ પકડાવાની શરૂ થઈ છે. જેમાં ડીસા દક્ષિણ પોલીસને પણ અલગ-અલગ બે જગ્યાએ જુગાર રમાતો હોવાની માહિતી મળતા જ ગવાડી અને સિંધી કોલોની વિસ્તારમાં રેડ કરી હતી. તે સમયે બંને જગ્યાએ સાત જુગારીયાઓ તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે 14 જુગારીયાઓ પાસેથી જુગારનું સાહિત્ય, મોબાઇલ અને રોકડ સહિત 35 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે જુગારીયાઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.