બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ડીસામાં જ્યારથી ભાજપે શાસન સંભાળ્યું છે, ત્યારથી ડીસા શહેરનો મોટેભાગે વિકાસ થઈ રહ્યો છે. આજે પણ ડીસા શહેરમાં એવા કેટલાય વિસ્તારો છે કે, જ્યાં લોકો ગંદકીથી પરેશાન થઈ રહ્યા છે. શહેરમાં આવેલ મારવાડી મોચીવાસમાં ગટરો ખુલ્લી હોવાના કારણે અહીંના લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ડીસા નગરપાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકઠો કરવા માટે નગરપાલિકાનું વાહન ચાલુ કરવામાં આવી છે, પરંતુ મોચીવાસમાં છેલ્લા કેટલાય આ વાહન સમયથી કચરો લેવા ન આવતા આ વિસ્તારમાં કચરાના મોટા મોટા ઢગલાઓ થઈ ગયા છે.
ડીસાના મારવાડી મોચીવાસ વિસ્તારમાં 10 વર્ષથી લોકો ગંદકીથી પરેશાન
બનાસકાંઠાઃ ડીસા નગરપાલિકામાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી ડીસાનો ઘણો વિકાસ થયો છે, પરંતુ ડીસા શહેરમાં આવતા મારવાડી મોચીવાસ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો વિકાસ થયો નથી. છેલ્લા 10 વર્ષથી આ વિસ્તારના લોકો ગંદકીને કારણે હેરાન-પરેશાન થઈ રહ્યા છે.
આ કચરાના ઢગલાઓના કારણે આ વિસ્તારમાં મોટી બીમારીઓ થઇ શકે તેવી સંભાવનાઓ છે. આ બાબતે આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી. થોડા સમયમાં હવે આગામી ચોમાસું પ્રારંભ થવા જઈ રહ્યુ છે, ત્યારે સ્થાનિકોની માંગ છે કે, નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવે અને તાત્કાલિક અહીંયા થી પાણી અને કચરો કાઢવાની વ્યવસ્થા કરવામાં આવે. જેથી આગામી ચોમાસામાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય અને ગંદકીના કારણે બીમારીઓ ફેલાઈ નહી.