ડીસા શહેરમાં ઉત્તર ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરની પ્રાથમિક શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતના મેદાનોની આગળ જ વીજ ડીપીઓ જોખમી હાલતમાં ઊભી છે અને ગમે ત્યારે કોઈનો ભોગ લે તેવી દહેશત જોવા મળી રહી છે. જ્યાં નાના ભૂલકાઓ અભ્યાસ કરવા જાય છે તેવી આંગણવાડીઓ નજીક પણ જોખમી હાલતમાં વીજ ડીપીઓ જોવા મળી રહી છે. આ સ્થળો પર જો આ વીજ ડીપીથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો બાળકોના જીવ સામે ખતરો ઊભો થઈ શકે છે. ત્યારે લોકો પણ આવી જોખમી ડીપીઓને દૂર ખસેડવાની માંગ કરી રહ્યા છે.
ડીસામાં UGVCLની ગંભીર બેદરકારી, જોખમી ડીપી હટાવવા લોકોએ કરી માગ - BNS
બનાસકાંઠાઃ ડીસા શહેરમાં શાળાઓ, કોલેજો, બાલમંદિર અને રમતોના મેદાનો આગળ યમરાજ બનીને ઊભેલી વીજ ડીપીઓ હટાવવા માટે લોકો માંગ કરી રહ્યા છે. ત્યારે તંત્ર કોઈ મોટી દુર્ઘટના ન બને તેની રાહ જોઈને બેઠું હોય તેમ ટસનું મસ નથી થતું.
પ્રાથમિક શાળાઓની વાત કરીએ તો શહેરમાં વિરેન પાર્ક નજીક આવેલી પ્રાથમિક શાળા સામે પણ એક ડીપી ભયજનક હાલતમાં ઊભેલી છે અને આ ડીપીની આજુ-બાજુથી દરરોજના હજ્જારો બાળકો પસાર થાય છે. તેમ છતાં તંત્ર આ બાબતે જરા પણ ગંભીરતા દર્શાવતુ નથી.
ઉત્તર ગુજરાત વીજ કંપની આ ડીપી હટાવવા માટે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠી છે કે શું ? ત્યારે કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલા ઉત્તર ગુજરાત વીજ કંપની ગંભીરતા દર્શાવે અને આ ડીપીઓને સુરક્ષિત સ્થળે ખસેડે તો બાળકોના જીવ પર તોળાઈ રહેલા આ ખતરાને નિવારી શકાય તેમ છે.