બનાસકાંઠાઃ લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળમાં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતાં 1,000 જેટલી ગાયોને ગ્રામપંચાયત ભરોસે છોડી દેવામાં આવી છે. કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની ગઈ છે. સેવાભાવી સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌશાળાઓને આપવામાં આવતા દાનમાં ધરખમ ઘટાડો થઈ ગયો છે.
લાખણીમાં ગૌશાળાના સંચાલકો દ્વારા ગૌશાળાની 1 હજાર ગાય રોડ પર છૂટી મૂકાતા લોકો પરેશાન - ETVBharatGujarat
સરકાર દ્વારા આપવામાં આવતી સહાય બંધ કરી દેવામાં આવતાં લાખણી તાલુકાના ગેળા ગામમાં આવેલી શ્રી બજરંગ ગૌશાળામાં ઘાસચારાની તંગી ઊભી થઇ છે. જેના કારણે 1,000 જેટલી ગાયોને ગ્રામ પંચાયતમાં છોડવામાં આવી હતી. પરિણામે લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
આ પરિસ્થિતિમાં ગૌશાળાઓને સરકાર તરફથી મળતી સહાય બંધ કરી દેવામાં આવતાં ગાયોના નિભાવ માટે ફાંફા પડી રહ્યાં છે. જેને લઇ સંચાલકો દ્વારા સરકાર સામે સહાય ચાલુ કરવા ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં સરકારનું પેટમાંથી પાણી હલ્યું નહી. તો બીજી બાજુ ગૌશાળાની ગાયોને ઘાસચારા માટે તંગી સર્જાઈ છે.
આવી પરિસ્થિતિના કારણે લાખણી તાલુકાના ગેળા ખાતે આવેલી શ્રી બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતના મેદાનમાં છોડી દેવામાં આવી છે. આ બાબતે ગામના સરપંચને પૂછતાં જણાવ્યું હતું કે, આ બાબતે તાલુકા અને જિલ્લામથકે રજૂઆત કરીશું અને ત્યાર બાદ આ સમસ્યાનો ઉકેલ આવે એવા પ્રયત્નો કરશું. ઉલ્લેખનીય છે કે, આવી પરિસ્થિતિમાં સરકાર અને સંચાલકોની તાણખેંચ વચ્ચે ગૌમાતા રામભરોસે બની ગઈ છે. ત્યારે આજે લાખણી ગૌશાળા દ્વારા ગાયો રોડ પર છોડાતાં અહીંથી પસાર થતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.