બનાસકાંઠા જિલ્લાના દિયોદર, ડીસા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, પાલનપુર, થરાદ અને લાખણી સહિતના તાલુકાઓની પ્રાથમિક શાળામાં ફરજ બજવતા એકસાથે 17 શિક્ષિકાઓ અને 2 શિક્ષક સહિત 19ને જાહેર નોટીસ ફટકારી તાત્કાલિક હાજર થવા ફરમાન કર્યું છે. આ 19 શિક્ષકો છેલ્લા 6 મહિનાથી લઈ 4 વર્ષ સુધી સળંગ ગેરહાજર રહેતા જે-તે શાળાના બાળકોના શિક્ષણને ગંભીર અસર પડી રહી છે.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગેરહાજર રહેતા શિક્ષકોને નોટિસ પાઠવી
બનાસકાંઠા: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શનિવારે એક સાથે 17 શિક્ષિકાઓ અને 2 શિક્ષકો સળંગ કેટલાક વર્ષોથી ગેરહાજર રહેતા હોઈ તેમને અંતિમ નોટિસ ફટકારવામાં આવી છે. બિનઅધિકૃત રીતે છેલ્લા કેટલાક સમયથી શાળાને જાણ કર્યા વિના ગેરહાજર રહેતા જિલ્લા શિક્ષણ સમિતિએ 7 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે અને જો આગામી 7 દિવસમાં હાજર નહિં થાય તો સસ્પેન્ડ કરી દેવામાં આવશે.
જે મામલે તાલુકા કેળવણી નિરીક્ષણ દ્વારા આવા શિક્ષકોને અગાઉ બે વાર નોટીસ પાઠવવામાં આવી હતી, પરંતુ એક પણ શિક્ષકે તેનો કોઈ રીપ્લાય આપ્યો નથી. જેથી હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ પોતાની ફરજ પર બેદરકારી દાખવનાર 19 શિક્ષકોને છેલ્લી નોટિસ ફટકારી છે અને જો આ શિક્ષકો 7 દિવસમાં હાજર નહિં થાય તો તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવશે તેમ શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ગેરહાજર રહેતી શિક્ષિકાઓ પૈકી કેટલીક વિદેશ પહોંચી હોવાના તો કેટલીક બાળક કે સાસુ, સસરાના કારણે ફરજ પર આવતા નથી. જેનાથી શાળામાં જે-તે શિક્ષક કે શિક્ષિકાનું મહેકમ હોવા છતાં જગ્યા ઉપર અન્ય શિક્ષકની બદલી કે નવીન ભરતી પણ થઈ શકતી નથી. આવા સંજોગોમાં અગાઉ અનેકવાર નોટીસ આપ્યા છતાં પણ બેદરકાર 19 શિક્ષકો ગેરહાજર રહ્યા છે, ત્યારે સતત ગેરહાજરી દાખવતા શિક્ષકો સામે જિલ્લા શિક્ષણ વિભાગે જાહેર નોટીસ ફટકારી લાલ આંખ કરતા શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.