બનાસકાંઠા:ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર વર્ષોથી ભારે ટ્રાફિકની સમસ્યા હતી. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ત્યાં રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. એલીવેટેડ ઓવરબ્રિજ બનતી વખતે નીચેના રસ્તા પર મોટા ખાડા પડ્યા હતા. તેના પર કોન્ટ્રાક્ટરે રોડનું પેચ વર્ક અણઘડ રીતે કર્યું હતું. હાલમાં પણ રોડ પર અનેક જગ્યાએ ખાડાના કારણે અકસ્માત થઈ રહ્યા છે. આ રસ્તાની મેન્ટેન્ટ કરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપનીની હોય છે. ડીસાના જાગૃત વકીલે નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફ્ટી કમિટીને નોટિસ પાઠવી છે.
સેફ્ટી કમિટીને નોટિસ: જનતાને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ સમસ્યાનું કોઈ સમાધાન ન આવતા ડીસાના જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપની તેમજ રોડ સેફ્ટી કમિટીને એક માસ અગાઉ નોટિસ આપી મેન્ટેનન્સ કાર્ય કરવા જણાવ્યું હતું. જોકે, જ્યારથી આ નવો બ્રીજ બન્યો ત્યારથી નીચે રહેલા રોડ અંગે કોઈ ધ્યાન ન આપવામાં આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.
એડવોકેટનો આક્ષેપ:એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હાઈવેના મેન્ટેનન્સની જવાબદારી હાઈવે પર ટોલ ઉઘરાવતી કંપનીની હોય છે. જેનું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વે કરી મેન્ટેનન્સ અંગે રિપોર્ટ કરવાનો હોય છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ટોલ કંપનીને ફાયદો કરાવવા યોગ્ય સમયે તેનો રિપોર્ટ કરતા નથી. નેશનલ હાઇવે પર રોડ અકસ્માત નિવારવા માટે ડિસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ કંપની સાથે પરામર્શ કરી અકસ્માત ન થાય તે અંગેની કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ કમિટી દ્વારા જ નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા જરૂર પડ્યે કમિટી સામે કન્ટેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોટિસ આપ્યાના એક માસ બાદ પણ માત્ર આ કમિટીના સભ્ય એવા ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો જવાબ જ લેવામાં આવ્યો છે. પણ મેન્ટેનન્સ તેમજ સમસ્યાના નિવારણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. હાલમાં રોડ એટલા ખતરનાક બની ગયા છે કે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલીવેટેડ ઓવરબ્રિજ બની ગયો છે. એલીવેટેડ ઓવરબ્રિજમાં બ્રિજની ઉપર અને નીચેના ભાગે સમાંતર ટ્રાફિક વહન થતું હોય છે. જેથી હવે નીચેના રસ્તાને નેશનલ હાઇવેમાંથી ડી-નોટીફાઈડ કરી નગરપાલિકા અથવા માર્ગ અને મકાન વિભાગ ખાતાને સોંપી દે તો યોગ્ય રીતે તેનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે.--- ધર્મેન્દ્ર ફોફાણી (એડવોકેટ)