બનાસકાંઠાઃ જિલ્લાના બાલુન્દ્રા ગામે 10 કરોડના મનરેગા કૌભાંડને લઈને છેલ્લા 2 દિવસથી સમગ્ર ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. સાથે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ સરકાર સામે અનેક સવાલો કર્યા છે. ભાજપની સરકારમાં મનરેગાના કામમાં થતા કૌભાંડને લઈને ઉહાપોહ કરતા આજે રવિવારે જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલને મીડિયા સમક્ષ ખુલાસો કરવો પડ્યો હતો.
જાણો શું હતી સમગ્ર ઘટના...
હાર્દિક પટેલના આક્ષેપો
- લોકોના બેંક ખાતા ખોલાવી પૈસા ઉપાડી લેવાયા છે
- એક ગામમાંથી 50થી 100 લોકોના ખોટા એકાઉન્ટ અને જોબ કાર્ડ પણ બન્યા છે
- બાલિન્દ્રા ગામમાં 10 કરોડનું કૌભાંડ આચર્યું છે
- ભાજપના સમર્થકો સરપંચ અને ટીડીઓ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે
જીગ્નેશ મેવાણીના આક્ષેપો
- બનાસકાંઠાના 300 ગામોમાં મનરેગા કૌભાંડ ચાલે છે
- કોરોનાના કારણે દેશમાં 16થી 22 કરોડ લોકો બેરોજગાર બન્યા છે
આજ રોજ આ આક્ષેપોને લઇને જિલ્લા વિકાસ અધિકારીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કૌભાંડ બાબતે અરજદારની અરજી આવેલી છે અને જે બાબતે તપાસ ચાલુ જ છે. જે પ્રકાર એ આક્ષેપ થયા છે તે ખોટા છે. હાલ માત્ર 1.18 કરોડના કામો થયા છે. છતાં અધિક કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા આ મામલે તપાસ થશે અને જો ગેરનીતિ હશે તો ફોજદારી કાર્યવાહી કરીશું.
મનરેગા કૌભાંડના આક્ષેપ અંગે બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો સમગ્ર ગુજરાતમાં મનરેગા મામલે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ પાલનપુર ખાતે દોડી આવી સમગ્ર મામલે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારની હારમાળા થઈ હતી. જે વિગતો મનરેગા મામલે ગઈકાલે શનિવારે પ્રેસમાં જણાવાઈ તે પાયા વિહોણી રૂપિયા 10 કરોડનું અમીરગઢના બાલુન્દ્રા ગામમાં મનરેગાનું કામ જ થયું નથી. માત્ર 1.18 કરોડના કામો જ થયા છે. તો આટલા કૌભાંડની વાત જ ક્યાં આવે. છતા ભ્રષ્ટાચારની તપાસમાં સાબિતી થશે તો કોઈપણ ચમરબંદીને છોડવામાં આવશે નહીં.