- બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
- જિલ્લામાં વરસાદની ઘટથી અર્થતંત્રને પડશે ફટકો
- વરસાદની અછતના કારણે ખેડૂતોના પાક પર મોટી અસર
- સતત ઓછા વરસાદ થી જિલ્લામાં ધંધા-રોજગાર થયા બંધ
બનાસકાંઠા: જીલ્લામાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી થઈ જતી હોય છે અને લગભગ સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લામાં વર્ષના આ ત્રણ મહિના જ વરસાદ આવતો હોય છે.પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના અઢી મહિના વીતી જવા છતાં હજુ સુધી માત્ર ત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.અને તેના લીધે બનાસકાંઠા જીલ્લામાં ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
ખેડૂતોએ મોંઘા બિયારણ વાવ્યા
જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે અને આ વર્ષે વરસાદનું પ્રમાણ ઘટતા ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડે તેમ છે.. વારંવાર નુકશાનીની થાપ સહન કરી ચૂકેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી સારા વરસાદની આશાએ ચોમાસુ વાવેતર કર્યું હતું,પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાથી ખેડૂતોનો ચોમાસુ પાક મુરજાવવા માંડ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતીના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.આ ઉપરાંત ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળના પાણી પણ ખેતી લાયક ના હોવાના લીધે ખેતીના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે.
વરસાદ ખેંચતા ધંધા-રોજગાર પર મોટી અસર
જીલ્લામાં વરસાદ ખેંચાઇ ગયો છે અને વરસાદ ખેંચાઇ જતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે. ખેતી આધારિત અર્થતંત્ર ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાઇ જવાથી બનાસકાંઠા જિલ્લાના વેપાર ધંધા પર પણ તેની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે," બે વર્ષથી કોરોનાની મારના લીધે ધંધા રોજગાર ચોપાટ થઈ ગયા હતા.. અને અધુરામાં પૂરું આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાના લીધે અર્થતંત્રનો રાજા કહેવામા આવતો ખેડૂત પણ પાયમાલ થઈ ગયો છે.. અને તેની સીધી અસર વેપાર ઉધોગ પર જોવા મળી રહી છે.. અને આગામી સમયમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે તેમ છે".
આ પણ વાંચો : આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન