બનાસકાંઠાઃ જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ પર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ ત્રણસોથી ચારસો વર્ષ જૂનો છે. પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલા જ્યારે લોકો અહી વસવાટ માટે આવ્યા ત્યારે અહિયાં ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવીને અહી મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું હતું ત્યારથી આ ગામનું નામ મહાદેવિયા પડ્યું છે.
ડીસા તાલુકાનાં મહાદેવિયા ગામમાં આવેલા આ મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ પર નજર કરીએ તો અહીથી મળી આવેલા અવશેષો પરથી આ મંદિર લગભગ સાતસો વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે, સદીઓ પહેલા અહી સાધુ સંતો આપણાં ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતાં હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતાં એટ્લે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું.
બનાસ નદીના રમણીય તટ પર આવેલા સોનેશ્વર મહાદેવના ઇતિહાસ અંગે મહાદેવિયા ગામના આગેવાન જણાવી રહ્યા છે કે, બનાસ નદીના તટ પર વસેલા આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક છે. આ મંદિરે ભક્તો શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શિવજીની પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે. ચાલુ વર્ષે કોરોના વાઇરસની મહામારીના કારણે ભક્તોને આ મંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર કરીને પ્રવેશ આપવામાં આવે છે.