જો ભારતની સંસ્કૃતિને સમજવી હોય તો તમારે ભારતના ગામડાઓને સમજવા અને જાણવા પડશે. આજે પણ તમને ગામડાઓમાં પ્રાચીન ભારતના દર્શન થશે. પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા માટે ગામડાઓના લોકમેળાનું બહુ મોટું યોગદાન છે. મેળો... આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ થાય. આજે આપણે આવા જ એક અનોખા મેળાની વાત કરીશું.
અશ્વ-શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે. અશ્વોએ હંમેશા યુદ્ધમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે. દેવતાઓ હોય કે દાનવો કે પછી માનવીના જીવનમાં અશ્વનું મહત્વ અનેરુ રહ્યું છે. દેવરાજ ઇન્દ્રનો અશ્વ ઉચ્ચએશ્રવા હોય કે મહારાણા પ્રતાપનો જગ વિખ્યાત અશ્વ ચેતક, કે શિવાજી મહારાજની ઘોડી ક્રિષ્ના. આવા અશ્વોને કારણે જ યજ્ઞ સંસ્કૃતિએ અશ્વમેઘ યજ્ઞનું નામ આપ્યું હતું. આ અશ્વ સંસ્કૃતિને જીવતી રાખવા જસરા ગામમાં છેલ્લા 7 વર્ષથી અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 8મા અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.