બનાસકાંઠા: જિલ્લાના લાખણીના જસરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પરંપરાગત રીતે ચાર દિવસીય અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમા યોજાયેલા અશ્વ મેળામાં ઘોડાઓની વિવિધ પ્રકારની કરતબો અને હરીફાઈઓ જોવા દૂર દૂરથી લોકો ઉમટ્યા હતાં.
બનાસકાંઠાના લાખણીમાં યોજાયેલા અશ્વદોડમાં પાડો બન્યો આકર્ષણનું કેન્દ્ર - અશ્વ મેળો
લાખણીના જસરામાં ગુજરાતનો સૌથી મોટા અશ્વ મેળાનો આજે બીજો દિવસ હતો. જેમાં રાજસ્થાનના જોધપુરનો "ભીમ" નામનો વીસ કરોડનો પાડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
અશ્વ મેળામાં રાજસ્થાનના જોધપુરનો ભીમ નામનો પાડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વીસ કરોડથી વધુની કિંમતના પાડાને જોવા લોકોમાં પડાપડી જોવા મળી હતી. પાડાના માલિક અરવિંદજીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પાડાની કિંમત વિસ કરોડ પચાસ લાખ આંકવામાં આવી છે, પરંતુ મારે વેચવાનો નથી અને આ પાડાની મદદથી સારી ઓલાદની ભેંસો બનાવી ખેડૂતો અને પશુપાલકોની સેવા કરવાનો ઉદ્દેશ બતાવ્યો હતો. અશ્વ મેળામાં લોકોની વધુ ભીડ સામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી પણ નજર રાખવામાં આવી રહી છે.
હાલના આધુનિક અને ટેક્નોલોજીના સમયમાં અશ્વોની જાતિ લુપ્ત થઈ રહી છે. જે લુપ્ત થતી અશ્વની જાતિને ટકાવી રાખવા અને આજની નવી પેઢી અશ્વ શક્તિ વિશે જાણે અને સમજે તે માટે અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે.