બનાસકાંઠામાં લાખણી તાલુકાના જસરા ગામે અશ્વમેળાનું આયોજન કરાવામાં આવ્યું હતું. ચાર દિવસીય આ અશ્વમેળામાં ગુજરાતભરમાંથી 500થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો હતો. જેને જોવા માટે આજુ-બાજુના ગામડાઓમાંથી હજારોની જનમેદની ઉમટી પડી હતી.
અશ્વ-શક્તિએ આપણા ઇતિહાસને ઉજ્જવળતા બક્ષી છે. અશ્વોએ હંમેશા યુદ્ધમાં આગળ રહી ઇતિહાસને અમર બનાવ્યો છે. દેવતાઓ હોય કે દાનવો કે પછી માનવીના જીવનમાં અશ્વનું મહત્વ અનેરુ રહ્યું છે. દેવરાજ ઇન્દ્રનો અશ્વ ઉચ્ચએશ્રવા હોય કે મહારાણા પ્રતાપનો જગ વિખ્યાત અશ્વ ચેતક, કે શિવાજી મહારાજની ઘોડી ક્રિષ્ના. આવા અશ્વોને કારણે જ યજ્ઞ સંસ્કૃતિએ અશ્વમેઘ યજ્ઞનું નામ આપ્યું હતું. આ અશ્વ સંસ્કૃતિને જીવતી રાખવા જસરા ગામમાં છેલ્લા 7 વર્ષથી અશ્વમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા 8મા અશ્વમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.