- બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન
- હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદનું આગમન
- પાલનપુરમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન
બનાસકાંઠા: જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં પણ ક્યાંય વરસાદ દેખાતો ન હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદની અછતના કારણે બનાસકાંઠા જિલ્લા પર અનેક સમસ્યાઓ ધરાઈ હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વરસાદ વગર મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાં નહિવત વરસાદના કારણે ખેડૂતોને પાક બળી જવાથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો પરંતુ જિલ્લાના ખેડૂતોને પોતાના પશુઓનું પાલન કરવા માટે ઘાસચારાની જરૂરિયાત હતી. જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે અનેક તાલુકાઓમાં સારા વરસાદથી પશુપાલકોને રાહત થઇ છે. ખેડૂતોને આ વરસાદથી કોઈ ફાયદો થઇ શકે તેમ નથી.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા 48 કલાકમાં 5 ઇંચ વરસાદ
મોડે મોડે પણ ખૂબ જ રાહ જોવડાવ્યા બાદ હવે છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં છેલ્લા 48 કલાકમાં ડીસા, પાલનપુર, કાંકરેંજ, લાખણી, વાવ, ભાભર સહિતના વિસ્તારોમાં 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેથી ખેડૂતો પણ હરખાયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ક્યાંક હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે પરંતુ જે પ્રમાણે છેલ્લા બે દિવસથી વરસાદ નું આગમન થયું છે તેના કારણે લોકોએ પણ કાળઝાળ ગરમીથી રાહત મેળવી હતી. બે દિવસથી વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં ફરી એકવાર ખેડૂતોને સારા વરસાદની આશા જાગી છે.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાયા
ભારતીય મોસમની આગાહીને પગલે છેલ્લા બે દિવસથી જિલ્લામાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ડીસા, પાલનપુર, દાંતા, અમીરગઢ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાની ઘટનાઓ સામે આવી છે. પાલનપુર શહેરમાં પણ શુક્રવારે સવારે ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો. જેના કારણે અનેક નીચાંણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની, ગઠામણ પાટિયા, આબુરોડ હાઇવે, ગણેશપુરા, આંબાવાડી અને મફતપુરા જેવા નીંચાણવાળા વિસ્તારોમાં તો ઘરો બે-બે ફૂટ સુધી પાણી ગયું હતું. જેના કારણે લોકોની ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. આ વિસ્તાર નીચાંણવાળો હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ અહીં પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાનિંગની કામગીરી કરવામાં આવતી હોવા છતાં પણ આ વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાઇ જતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. મહત્વની વાત એ છે કે, દર વર્ષે નગરપાલિકા ચોમાસા પૂર્વે લાખો રૂપિયાનો ધુમાડો કરી વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરે છે પરંતુ પરિસ્થિતિ આજે પણ જૈસે થે જેવી છે.
બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા