બનાસકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા પાલનપુર અને ડીસા શહેરમાં 6 ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા લોકોને ઘર આંગણે જઇ આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવશે. લોકોને ઘેરબેઠા સરળતાથી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે અને આરોગ્ય સર્વેલન્સ વધુ સઘન બનાવવા બનાસકાંઠા કલેકટર સંદીપ સાંગલેના હસ્તે 6 ધન્વંતરી આરોગ્ય રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. પાલનપુર શહેરમાં 4 અને ડીસામાં 2 ધન્વંતરી આરોગ્ય રથ કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકોના ઘરે ઘરે જઇને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવશે.
ધન્વંતરી આરોગ્ય રથ કન્ટેઇનમેન્ટ ઝોનમાં લોકોના ઘરે ઘરે જઇને આરોગ્ય સેવાઓ પુરી પાડવામાં આવશે ધન્વંતરી આરોગ્ય રથમાં શું હશે?
- ટેમ્પ્રેચર ગન
- સ્ટેથોસ્કોપ
- પલ્સ ઓક્સિમીટર
- ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ
- આયુર્વેદિક ઉકાળા
બનાસકાંઠામાં કોરોના સંક્રમણને અટકાવવા અને તેની સામે લડત આપવા કન્ટેનમેન્ટ ઝોનમાં નિયમિત સર્વેલન્સ ચાલુ છે, પરંતું આ સર્વેલન્સ વધુ સઘન બનાવવા માટે પાલનપુર શહેરમાં 4 અને ડીસામાં 2 એમ કુલ-6 ધન્વંતરી આરોગ્ય રથ લોકોની સેવા માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.
ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા કરાઈ કન્ટેનમેન્ટ ઝોનમાં આરોગ્ય તપાસ ધન્વંતરી આરોગ્ય રથમાં મેડીકલ ઓફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનો સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ તથા આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
શંકાસ્પદ જણાતા વ્યક્તિઓની સઘન ચકાસણી કરી અલગ તારવી કોરોના સંક્રમણને આગળ વધતું અટકાવી શકાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર સંદીપ સાંગલે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનીષ ફેન્સી, એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. એન. કે. ગર્ગ, ડૉ. ભારમલભાઇ પટેલ સહિત ધન્વંતરી આરોગ્ય રથમાં સવાર આરોગ્યના ડૉકટરો અને પેરા મેડીકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.