બનાસકાંઠાઃ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી સરહદી વિસ્તારના ખેડૂતો તીડ આક્રમણના કારણે મોટું નુકસાન વેઠવી રહ્યા છે. જિલ્લામાં વારંવાર તીડ આક્રમણના કારણે અત્યાર સુધી સરહદી વિસ્તારના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ સરહદી વિસ્તારમાં પાણીની મોટી સમસ્યા છે, તો બીજી તરફ તીડ આક્રમણ વારંવાર થઈ રહ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના માવસરીમાં તીડ દેખાતા ખેડૂત ચિંતિત બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી એકવારના ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી રાજસ્થાન સહિત અનેક વિસ્તારોમાં પાકિસ્તાન તરફથી આવેલા તીડના ઝુંડ તબાહી મચાવી રહ્યા છે. ત્યારે સોમવારના રોજ બનાસકાંઠા જિલ્લાના રણ વિસ્તાર માવસરી પંથકમાં પણ સોમવારે વહેલી સવારથી જ તીડના ઝુંડ દેખાયા હતા. પીળા કલરના તીડ દેખાતા ખેડૂતો અને સ્થાનિક લોકો પણ સતર્ક બની ગયા હતા.
બનાસકાંઠાના સરહદી વિસ્તારના માવસરીમાં તીડ દેખાતા ખેડૂત ચિંતિત તીડને ભગાડવા માટે ફરી એકવાર ખેડૂતો અને લોકોએ થાળીઓ વગાડી, વિવિધ પ્રકારના અવાજ કરી તેને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે બાળકો પણ વારંવાર આવતા તીડને પકડીને મસ્તીએ ચડ્યા હતા. આ વખતે રણ પંથકમાં વાવેતર નહિવત હોવાના કારણે તીડના કારણે નુકશાનની શક્યતા નહિવત છે. તેમ છતાં તીડને લઇ ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખેતીવાડી વિભાગ અને તીડ નિયંત્રણ વિભાગ પણ સતર્ક બન્યું છે અને તીડ નિયંત્રણ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
મહત્વનું છે કે તીડનું જુંડ દિલ્હીના નોઇડા, પંજાબના અમુક ભાગો, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાં મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા, ખેડૂતો દ્વારા તીડને ભગાડવા માટે થાડી, ડીજે અને વિવિધ રીતે ભગાડવામાં આવ્યા હતા. પાકિસ્તાનના તીડ દેશના વિવિધ રાજ્યમાં ફેલાયા છે અને આતંક મચાવ્યો છે.