- ડીસા તાલુકાના ખેડૂતપુત્રએ નેપાળમાં દેશનું નામ રોશન કર્યું
- ભોયણના ખેડૂત પરિવારના દીકરાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો
- ઇન્ડો-નેપાળ ઇન્ટરનેશનલ 1500 મીટર દોડ સ્પર્ધામાં પ્રથમ આવ્યો
ડીસા: બનાસકાંઠા (Banaskantha)ના નાનકડા ભોયણ ગામના ખેડૂત પરિવારના યુવકે ઇન્ડો-નેપાળ ઇન્ટરનેશનલ દોડ સ્પર્ધા (Indo-Nepal International Running Competition)માં ગોલ્ડ મેડલ મેળવી ગામ અને દેશનું નામ રોશન કર્યું છે અને હવે આ યુવક આર્મીમાં જોડાઈને દેશ સેવા કરવા માંગે છે.
ડીસા તાલુકાના નાનકડા ગામના રમતવીરની અનોખી સિદ્ધિ
કલા અને હુનર એ કોઈની મોહતાજ નથી, ગમે તેવી પરિસ્થિતિમાં પણ તે સૂરજની જેમ પ્રકાશિત થઈ ઊઠે છે. આજ વાતને બનાસકાંઠાના ડીસા તાલુકાના ભોયણ ગામ (Bhoyan Village)ના એક યુવકે સાર્થક કરી બતાવી છે. નાનકડા ગામના આ યુવકે માત્ર નેશનલ નહીં, પરંતુ ઇન્ટરનેશનલ લેવલે દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ (Gold Medal) મેળવ્યો છે. અગાઉ પણ તાલુકાથી માંડીને રાજ્યકક્ષા સુધી અનેક મેડલો આ રમતવીરે પ્રાપ્ત કર્યા છે.
પરિવાર ખેતી કરી ગુજરાન ચલાવે છે
ભોયણ ગામમાં રહેતા અશોકજી ભુનેશા ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની ગજરાબેન પણ પતિને આર્થિક રીતે મદદ કરી શકે તે માટે પશુપાલનનું કામ કરે છે, જેમને એક દીકરો અને 3 દીકરીઓ છે. તેમનો દીકરો મહેશસિંહ ભુનેશા અત્યારે ડીસાની સર્વોદય આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સેમેસ્ટર-1માં અભ્યાસ કરે છે. સાથે સાથે માતા પિતાને પણ ખેતી અને પશુપાલનમાં મદદ કરે છે. મહેશસિંહના માતા પિતા અભણ છે, પરંતુ દીકરાને શરૂઆતથી જ કંઈક કરવાની તમન્ના જાગી હતી અને બસ ત્યારથી જ તે સ્પોર્ટ્સમાં રસ લેવા લાગ્યો હતો. ધીમેધીમે તે દોડની સ્પર્ધાઓમાં ભાગ લેતા તે વિજેતા બનતો હતો