- સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આફતોથી પરેશાન
- બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં ત્રણ વાર થયું હતું તીડ આક્રમણ
- ખેડૂતોને તીડ આક્રમણથી થયેલ નુકસાનનું વળતર ન ચુકવતા ખેડૂતોમાં રોષ
બનાસકાંઠા : જિલ્લો વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. પહેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત હોવાના કારણે ખેતી થતી ન હતી. જેના કારણે સરહદી બનાસકાંઠા જિલ્લો રણ જેવો પડ્યો હતો. જે બાદ સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની ગુજરાત સરકારમાં પીવાના પાણી માટે અને ખેતી કરવા માટે વારંવાર રજૂઆતના પગલે ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી તાત્કાલિક ધોરણે નર્મદા નહેરની બનાસકાંઠા જિલ્લામાં સ્થાપના કરવામાં આવી હતી.જેના કારણે સરહદી બનાસકાંઠા જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચતાની સાથે જ સરહદી વિસ્તાર હરિયાળો બન્યો હતો. આમ જ્યાં વર્ષોથી સરહદી વિસ્તારોમાં ખેતી થતી ન હતી. તે વિસ્તાર હાલ લીલાછમ જોવા મળી રહ્યા છે.
સરહદી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આફતોથી પરેશાન
બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તાર ગણાતા વાવ, થરાદ, સુઈગામના ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી વારંવાર કુદરતી આફતોના કારણે ખેતીમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારના ખેડૂતો નર્મદાના પાણી આધારિત ખેતી કરે છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષથી ઇયળનો ઉપદ્રવ કમોસમી વરસાદ તીડના આક્રમણથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વારંવાર નુકસાની વેઠી રહ્યા છે. સરકારમાં પણ નુકસાનીના પગલે અનેક વાર રજૂઆત અને આંદોલનો કરવામાં આવ્યા છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કુદરતી આફતોમાં થયેલ નુકસાનનું વળતર ન ચુકવતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં એક જ વર્ષમાં ત્રણ વાર થયું હતું તીડ આક્રમણ
બનાસકાંઠા જિલ્લામાં ગત વર્ષે એક-બે વાર નહીં પરંતુ પાંચ પાંચ વાર તીડના ઝુંડોએ આક્રમણ કર્યું હતું અને અડધા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું. ગત વર્ષે પણ વારંવાર તીડના આક્રમણથી પાંચ તાલુકાઓમાં નુકસાન થયું હતું. જેમાં સૌથી વધુ થરાદ અને વાવ વિસ્તારમાં નુકસાન થયું હતું. જોકે, તીડ આક્રમણ બાદ સરકારે તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની વાત કરી હતી. તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તીડના આક્રમણથી નુકસાનગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરવામાં આવ્યો હતો. જોકે, વાવ તાલુકાના પાનેસડા ગામમાં પણ 100 થી વધુ ખેડૂતોને તીડ આક્રમણથી નુકશાન થયું હતું. પરંતુ સર્વે કર્યાના એક વર્ષ બાદ પણ હજુ સુધી આ ગામના ખેડૂતોને સહાય ચુકવાઇ નથી. જે માટે અસરગ્રસ્ત ખેડૂતોએ વારંવાર મામલતદારથી લઈ કલેકટર કચેરી સુધી રજૂઆત કરી હતી. લેખિત અને મૌખિક રજૂઆત કર્યા બાદ પણ હજુ સુધી સહાય ન ચૂકવામાં આવતા ખેડૂતોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.