- બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ રાકેશ ટીકૈતનું ભવ્ય સ્વાગત કર્યું
- ખેડૂતોને સંબોધન કરવા રાકેશ ટિકૈત પહોંચ્યા પાલનપુર
- પાલનપુરના પૂર્વ નગરસેવકે વિરોધ કરતા ખેડૂતોએ મેથીપાક ચખાડ્યો
- પોલીસે વિરોધ કરનાર અશોક પુરોહિતની અટકાયત કરી
- કાળા કે પીળા વાવટાથી કોઈ જ ફરક પડતો નથીઃ રાકેશ ટિકૈત
બનાસકાંઠાઃ દિલ્હી ખાતે છેલ્લા ચાર માસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈત હવે ગુજરાતના ખેડૂતોને પણ પોતાના આંદોલનમાં જોડવા માટે બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. બનાસકાંઠામાં આવેલી ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ છાપરી બોર્ડરથી તે પોતાના સમર્થકો સાથે ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંબાજી ખાતે માં અંબાને શિશ ઝુકાવી અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણએ પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. પાલનપુર-આબુરોડ હાઈવે નજીક તેમનું ખેડૂત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આ પણ વાંચોઃ 4થી એપ્રિલે ગુજરાત આવી રહેલા રાકેશ ટિકૈત કોણ છે ?
ભજપના કાર્યકરે રાકેશ ટિકૈતનો વિરોધ કર્યો
અંબાજી ખાતેથી નીકળેલો રાકેશ ટિકૈતનો કાફલો ખેડૂતો સાથે સંબોધન કરવા પાલનપુર સભા સ્થળે પહોંચ્યો હતા. સંવાદ કાર્યક્રમના સ્થળે પહોય્ચા તે સમયે પાલનપુરના પુર્વ નગરસેવક અને ભાજપના કાર્યકર અશોક પુરોહિત દ્વારા કાળો વાવટો બતાવી રાકેશ ટિકૈતનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે તે જ સમયે ઉશ્કેરાયેલા ટિકૈતના કેટલાક સમર્થકોએ વિરોધ કરનાર અશોક પુરોહિતને મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ પોલીસે વિરોધ કરનાર અશોક પુરોહિતની અટકાયત કરી હતી. બનાસકાંઠાના ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે રાકેશ ટિકૈતને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ખેડૂતોને પાક સંબંધીત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છેઃ દોલાભાઈ
આ અંગે ખેડૂત દોલાભાઈ ખાગડાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને પોતાના પાકમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, આ બાબતે અનેકવાર સરકારમાં રજૂઆત કરવા છતાં સરકારે આજદિન સુધી તેમનું કઈ જ સાંભળ્યું નથી.