- થરાદ ડાયરો વિવાદ- પોલીસે આયોજકની કરી ધરપકડ
- પીએસઆઇ સહિત 3 પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ, 12 સામે ફરિયાદ
- બનાસકાંઠા જિલ્લા એએસપી પૂજા યાદવનું નિવેદન
બનાસકાંઠાઃ થરાદ તાલુકાના વડગામડા ગામે ગત રાત્રે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. આ ગામના આગેવાન ધનજી ચૌધરીએ સંતવાણી કાર્યક્રમ અંતર્ગત લોકડાયરાનું આયોજન કરી હજારોની સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતાં. આ કાર્યક્રમમાં જાણીતા 10 જેટલા કલાકારો પણ ઉપસ્થિત રહી ડાયરામાં રમઝટ બોલાવી હતી, જાણે કે કોઈ જ કોરોના વાયરસ ન હોય તે રીતે માસ્ક વગર મોટાભાગના કલાકારો આ કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. કોઈપણ જાતની પરવાનગી લીધા વગર સરકારી ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો. વહેલી સવારે આ ડાયરાના વિડીયો વાઇરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને આયોજકના ઘરે જઈ તેની પૂછપરછ શરૂ કરી કાર્યવાહી કરી હતી. જોકે સમગ્ર ઘટના માટે જવાબદાર એવા આયોજક ધનજી પટેલ લાજવાને બદલે ગાજવાનું શરૂ કર્યું હતું અને અન્ય નેતાઓ જ્યારે રેલી અને સભાઓ યોજી સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરે છે ત્યારે તેમની સામે કાર્યવાહી થતી નથી માટે આ તમામ નેતાઓની સામે કાર્યવાહી થાય ત્યારબાદ જ દંડ ભરવા તૈયાર હોવાનો નન્નો ભણ્યો હતો.
- પીએસઆઇ સહિત 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા છે, 12 સામે ફરિયાદ નોંધાઈ છે
એકતરફ કોરોના વાયરસ તેનો હાહાકાર મચાવી રહ્યો છે. તેવા સમયે સરકારી ગાઇડ લાઇન ભંગ કરી સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડનાર આયોજક સહિત તમામ કલાકારો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કાર્યક્રમના આયોજક ધનજી પટેલ અને કલાકારો સહિત કુલ 12 લોકો સામે ફરિયાદ નોંધી છે. જ્યારે ફરજમાં બેદરકારી દાખવવા બદલ સ્થાનિક પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસકર્મીઓને પણ સસ્પેન્ડ કરાયા છે.
- બનાસકાંઠા જિલ્લા એએસપી પૂજા યાદવનું નિવેદન