ડીસા: નોવેલ કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોનાને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ત્યારે આ મહામારીને અટકાવવા અને જો દર્દીઓની સંખ્યા વધે તો તાત્ક્લિક પહોંચી વળવા માટે આજે બનાસકાંઠાના ડીસા અને થરાદ ખાતે તૈયાર કરેલા આઇશોલેશન વોર્ડની જિલ્લાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાય નહીં તે માટે કલેકટર સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન પ્રમાણે આરોગ્ય વિભાગના અધિકારીઓ- કર્મચારીઓ સખત પરિશ્રમ કરી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારી આઇસોલેશન વોર્ડ ઉપરાંત ખાનગી હોસ્પીટલોમાં પણ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.
પાલનપુર સીવીલ હોસ્પિટલમાં 120 બેડનો આઇસોલેશન વોર્ડ સાથે તૈયાર છે. આ ઉપરાંત ડીસા, થરાદ, વાવ, અંબાજી અને જિલ્લામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે પણ દર્દીઓને સારવાર આપવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.