બનાસકાંઠા: દેશમાં સટોડિયાઓનું એપી સેન્ટર ગણાતા બનાસકાંઠાના ભાભર ગામ પાસેથી જુગારધામ ઝડપાયું છે. સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજની ટીમ મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભાભરના બલોધણ ગામે જુગારધામ ચાલતું હોવાની બાતમી મળી હતી. જને લઈ ટીમે તપાસ હાથ ધરતા બલોધણ ગામની સીમમાં કેનાલ પાસેથી જુગાર રમતા 12 શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.
બનાસકાંઠાના ભાભરગામમાં જુગાર રમતા 12 'પત્તાપ્રેમી' ઝડપાયા
બનાસકાંઠાના બલોધણ ગામ પાસેથી જુગાર રમતા 12 શખ્સો ઝડપાયા છે. સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજની ટીમે રેડ પાડી તે દરમિયાન પોલીસે 12 શખ્સોને ઝડપી પાડ્યા હતા જ્યારે 7 લોકો ભાગવામાં સફળ રહ્યા હતા. પકડાયેલા લોકો પાસેથી પોલીસે 5.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે રેડ કરતા અન્ય 7 શખ્સો નાસી છૂટયા હતા. જ્યારે ટીમે 12 શખ્સો સહિત મોબાઈલ, ગાડી સહિત 5.73 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓને સાઇબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજની ટીમે ભાભર પોલીસને સોંપ્યા હતા.
ભાભર પોલીસે જુગાર રમતા કુલ 19 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મસમોટું જુગારધામ ચાલતું હોવા છતાં પણ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સાયબર ક્રાઇમ સરહદી રેન્જ ભુજની ટીમે આ જુગારધામને ઝડપી પાડ્યું છે. જેથી સ્થાનિક પોલીસને કામગીરી પણ શંકાના દાયરામાં છે.