બનાસકાંઠા : ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જે વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો વલખા મારવા મજબૂર બન્યા છે, પરંતુ હવે જિલ્લાના મુખ્ય મથક પાલનપુર શહેરી વિસ્તારમાં પણ પાણીનો પોકાર ઊભો થયો છે. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતર્યા છે અને માટલા ફોડીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.
અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પાણી નથી આવતું જેથી અમને તકલીફ પડે છે. અમે મજૂરી વર્ગ છીએ. મજૂરી કરીને પોતાનું ગુજરાત ચલાવીએ છીએ, ત્યારે પાણી નથી મળતું એટલે અમારે પાણી બીજી જગ્યાએ ભરવા જવું પડે છે. હવે અમારે અમે બાળ બચ્ચા રાખીએ મજૂરી જઈએ કે, પાણી ભરવા જોઈએ જેથી સરકારને નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારમાં સત્વરે પાણીની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. - મીનાબેન (સ્થાનિક મહિલા)
શું છે સમગ્ર મામલો :બનાસકાંઠા જિલ્લો એ હંમેશા પાણીની અછત ભોગવતો હતો જિલ્લો છે. જિલ્લાના અનેક એવા ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં પાણી ન પહોંચતા ઉનાળામાં વિસ્તારના લોકો પાણી માટે પોકાર કરતા હોય છે. જોકે ગ્રામ્ય વિસ્તારો તો ખરી પરંતુ હવે શહેરી વિસ્તારમાં પણ પાણી ન મળતા લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. પાલનપુરના ગણેશપુરા આંબાવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી રેગ્યુલર ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ અવારનવાર પાલિકા તંત્રને રજૂઆત કરી તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા છેવટે રોષે ભરાયેલા લોકો આજે રસ્તા પર ઉતર્યા છે. ઘરમાં રહેલા ખાલી માટલા રસ્તા પર ફોડી વિરુદ્ધ પ્રદર્શિત કર્યો છે અને વહેલી તકે પાલિકા આ વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડે તેવી માંગ કરી છે.