બનાસકાંઠા:બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર પ્રકોપ વર્ષાવી રહી હોય તેમ એક બાદ એક જિલ્લાના ખેડૂતોને વરસાદથી નુકસાન થઈ રહ્યું છે. મહત્વની વાત છે કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખેડૂતો આ વર્ષે વરસાદના કારણે પાયમલ બન્યા છે. તાજેતરમાં જ હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદથી મોટાભાગના ગામોમાં બાજરી-ગવાર સહિતના પાકોમાં મોટો નુકસાન થયું છે.
વરસાદથી તારાજી:આ તમામ પરિસ્થિતિનો ચિતાર જાણવા માટે આજે ETV ની ટીમ સરહદી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. જેમાં બનાસકાંઠા અને રાજસ્થાનને અડીને આવેલું ધાનેરા તાલુકાનું છેવાડાનું ગામ વાછોલ ખાતે વરસાદથી થયેલ તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વાછોલ ગામમાં મોટાભાગના ખેડૂતો પશુપાલન અને ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ આ વર્ષે સતત કમોસમી વરસાદના કારણે ખેડૂતો રાતા પાણીએ રોઈ રહ્યા છે.
બાજરીના પાકને ભારે નુકસાન:આ બાબતે વાછોલ ગામના ખેડૂત વજાભાઈ માળીએ જણાવ્યું હતું કે વ્યાજે નાણા લાવીને ખેતી કરી હતી અને કમોસમી વરસાદથી થયેલા નુકસાને કમર ભાગી નાખી છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદથી બાજરીના ઉભા થયું છે. સરકારને વિનંતી છે કે સત્વરે સર્વે કરીને નુકસાનીનું વળતર ચુકવવામાં આવે. સતત એક દિવસ સુધી પડેલા ભારે પવન સાથે વરસાદના કારણે આ વિસ્તારમાં 90 ટકાથી પણ વધુ બાજરીના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે.