બનાસકાંઠા : બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે જીવાદોરી સમાન નર્મદાની થરાદથી પસાર થતી મુખ્ય કેનાલના સાફસફાઈ અને સીપેજની સમસ્યા સમાપ્ત કરવા આધુનિક ટેકનોલોજી થકી કેનાલ સફાઈ તેમજ રીપેરીંગ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્થાનિક લોકો દ્વારા વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આ સમસ્યાનો નિવેડો લાવવા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે કેનાલ સફાઈ અને રીપેરીંગ કામ મંજૂર કરાવવામાં આવ્યું હતું. એે પૈકીનું ફેઝ 1નું 7 કિલોમીટરનું રીપેરિંગ કામ માત્ર 15 દિવસના ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
કેનાલમાં ફરી પાણી વહેતું થયું : નેનોસીલ હાઇડ્રોલીક લીક્વીડ મટીરીયલ જેવી નેનો ટેકનોલોજીના આધારે નર્મદાની મુખ્ય કેનાલમાંથી પાણી સીપેજની સમસ્યા દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. ત્યારે 7 કિલોમીટરના વિસ્તારમાંથી પસાર થતી નર્મદાની થરાદ મુખ્ય કેનાલમાં સીપેજ અને કેનાલ સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ થતા કેનાલમાં ફરી પાણી વહેતું થયું છે. નર્મદાની થરાદ મુખ્ય કેનાલમાં રીપેરીંગ બાદ પાણી વહેતાં થતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ હતી.
નર્મદા કેનાલની સફાઈ તેમજ ટેકનોલોજીના માધ્યમથી થતા રીપેરીંગ કામ માટે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખાસ આભાર માનું છે કે તેમણે સરહદી વિસ્તારના ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામને મંજૂરી આપી. ખેડૂતોની સમસ્યા દૂર કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં જેટલી આધુનિક ટેકનોલોજી છે તેટલી જ ઝડપથી આ કામગીરી પૂર્ણ કરી ખેડૂતોને ફરી પીવા તેમજ સિંચાઈ માટે પાણી મળી રહે તે મારી પ્રાથમિકતા હતી. આજે મને ખુશી છે કે બહુ ટૂંકા સમયગાળામાં આ કામગીરી નર્મદા નિગમના અધિકારીઓએ દિવસરાત્રે મહેનત કરી પૂર્ણ કરી છે. જે બદલ હું નર્મદા નિગમના અધિકારી-કર્મચારીઓને પણ બિરદાવું છે. શંકર ચૌધરી, (વિધાનસભા અધ્યક્ષ)