બનાસકાંઠા: લોકડાઉન બાદ અનલોક 1 ખુલતાની સાથે જ કોરોનાના દર્દીઓની સંખ્યામાં બ્લાસ્ટ થયો હોય તેમ વધી રહ્યો છે, અને તેની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં વધુ એક કોરોના વાઇરસથી મોત
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના કારણે દિવસેને દિવસે દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે, જેમાં આજે બનાસકાંઠા જિલ્લામાં પણ વધુ એક કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીનું મોત થયાની સાથે જિલ્લામાં કોરોનાના દર્દીઓના મોતનો આંક 6 થઇ ગયો છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ આજે વધુ એક પોઝિટિવ દર્દીનું મોત થયું છે. બનાસકાંઠા જીલ્લામાં આજે કુલ ચાર નવા લોકોને કોરોના પોઝિટિવના રિપોર્ટ આવ્યા હતા, જેમાંથી ડીસાની એન આર પાર્ક સોસાયટી ખાતે રહેતા કિશોર પઢીયાર નામના વ્યક્તિને પણ પોઝિટિવ આવતાં જ તેને ડીસાની કોવિડ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો.
જોકે આ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં જ દમ તોડી દીધો હતો અને તેની સાથે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી કુલ છ લોકોના કોરોના વાઇરસના કારણે મોત થયા છે. જિલ્લામાં અત્યાર સુધી 138 કેસો માંથી 6 લોકોના મોત થતા લોકો પણ કોરોના વાઇરસને લઇ ભયભીત બની રહ્યા છે.