અંબાજીમાં એક અનોખી પરંપરા જેનાથી વરસાદને પણ આવવુ પડે છે !
અંબાજી: દાંતા પંથકમાં વરસાદ ખેંચાતા અને ગરમીનો ઉકળાટ વધતા પ્રજા પરેશાન થઈ રહી છે અને ખેડૂત પણ ચિંતિત બન્યો છે. ત્યારે વરસાદને રીઝવવા માટે યાત્રાધામ અંબાજીમાં એક અનોખી પરંપરા કરવામાં આવે છે, જેનાથી વરસાદનું આગમન થાય છે.
ગતવર્ષની સરખામણીએ ચાલુ વર્ષે અંબાજી પંથકમાં વરસાદ નહિવત થયું છે. જેને લઈ પાણીના તળ પણ વધુ ઊંડા જતા પીવાના પાણીની સમસ્યા સર્જાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. જેને લઈ આજે અંબાજીના તમામ બજારો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખી ગામ ઉજાણી કરવાનો નિર્ણય લેવાયો છે. અંબાજી સરપંચ દ્વારા લેખિત આદેશ શૈક્ષણિક સંસ્થાઓ અને વેપારીઓને બજારો બંધ રાખવા અપીલ કરાઈ છે. જો કે અંબાજીમાં એક એવી પરંપરા જોવા મળી છે કે, ગામ ઉજાણીમાં લોકો વન ભોજન કરી તથા હોમ હવન અને મહાદેવજીના મંદિરમાં શિવલિંગને પાણીમાં ડુબાડી રાખવાથી વરસાદની પધરામણી થતી હોવાના પગલે આજે બંધ રાખવા અપિલ કરાઈ હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું.