અંબાજી મેળામાં બે દિવસમાં 7 લાખ માઁ ભક્તોએ માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવ્યું બનાસકાંઠા :અંબાજી ભાદરવી મેળાના બીજા દિવસે અંબાજીને જોડતા માર્ગ પર શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. તો બીજી તરફ અંબાજી ધામમાં ધીરે ધીરે યાત્રિકોનો મેળાવડો થતા તીર્થધામની રોનક બદલાઈ ગઈ છે. આ સ્થાને ભક્તિની અભિવ્યક્ત કરવાના અવસર રૂપી અંબાજી ભાદરવી પૂનમના મેળામાં બીજા દિવસે મેઘરાજાએ ખમૈયા કરતા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બીજા દિવસે અંબાજીને જોડતા માર્ગ પર બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
ભાદરવી પૂનમનો મેળો : ભારે કષ્ટ વેઠીને આવતા માઈ ભક્તોની સેવા કરી પુણ્યનું ભાથું બાંધવા ઠેર ઠેર સેવા કેમ્પ પણ ધમધમી ઉઠ્યા છે. વહીવટ તંત્ર દ્વારા પણ ભક્તોને આવકાર માટે સુવિધા રૂપી રેડ કારપેટ પાથરવામાં આવી છે. તો બીજી તરફ વિવિધ સેવા, સુરક્ષા અને દર્શન વ્યવસ્થામાં પ્રવૃત્તિ વહીવટ તંત્ર એટલે અંબાજી ધામ મીની સચિવાલયમાં ફેરવાઈ ગયું છે. જ્યાં મેળાના બીજા દિવસે 4,68,286 માઇ ભક્તોએ માઁ અંબાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી છે. અંબાજી ટ્રસ્ટ જણાવી રહ્યું છે કે, અંબાજીમાં માઁ અંબાના દર્શનાર્થે આવતા ભક્તોને પીવાના પાણીની સેવામાં અંબાજી ખાતે 144 કન્યા અને 96 કુમાર છાત્રો રાઉન્ડ ધ ક્લોક સેવા બજાવી રહ્યા છે.
અધધ માઁ ભક્તો : ભાદરવી પૂનમના મેળા દરમિયાન બીજા દિવસે 4.68 લાખ ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. અંબાજી ધામને જોડતા માર્ગ જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. બે દિવસમાં 7,43,736 યાત્રિકોએ માના દર્શન કરી ધન્યતા અનુભવી છે. જેમાં 46,284 ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. આજ દિવસ સુધી કુલ 3,09,893 જેટલા પ્રસાદીના પેકેટ વેચાયા છે.
માનવ મહેરામણ : મેળાના બીજા દિવસે વહેલી પરોઢથી અંબાજી-પાલનપુર, અંબાજી-હડાદ, અંબાજી-રાજસ્થાન તરફ તમામ રસ્તાઓ પર બોલ મારી અંબે જય જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા છે. અંબાજીમાં પ્રવેશતા હિંમતનગર તરફના માર્ગ પર યાત્રિકોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. જેમાં દાહોદ, ગોધરા, ડુંગરપુર તરફના યાત્રિકોની સંખ્યા સવિશેષ જોવા મળી હતી. મંદિરમાં દર્શનની સુવ્યવસ્થા સાથે સાથે 7 નંબરને અડીને આવેલ ગેટ ખુલ્લો રાખવામાં આવતા યાત્રિકો સુખમય દર્શન માટે મુખ્ય બજારમાં ઉભરાઈ રહેતા બજાર પણ ધમધમતું જોવા મળ્યું હતું.
અમે વર્ષોથી પગપાળા ચાલીએ છીએ અને આજે ફરી અમે પગપાળા ચાલતા માઁના દર્શને આવ્યા છીએ. અમે જે કેમ્પમાં રોકાયા છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સુવા માટે પલંગ, મોબાઈલ ચાર્જિંગ મુકવા માટે ચાર્જર અને લાઈટની વ્યવસ્થા છે. આમ તમામ વ્યવસ્થા બદલ અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. -- યાત્રાળુ
માઁ અંબાનો પ્રસાદ :યાત્રીકો માટે નિશુલ્ક રીક્ષા સેવામાં કેટલાક રીક્ષા ચાલકો યાત્રિકો પાસેથી ભાડું ઉઘરાવતા હોવાની ફરિયાદ ઉઠતા કંટ્રોલ રૂમ પરથી કોઈ યાત્રિકોને ભાડું ન લેવા માટે અને ભાડું ન ચૂકવવા માટેની પોલીસ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે. માઁ અંબાના દર્શન કર્યા બાદ ભક્તો ગબ્બર શક્તિપીઠ ખાતે પણ દર્શન કરવાનું ચૂકતા ન હતા. જોકે ખાસ બાબત જોવા મળી રહી હતી કે, માતાજીના દર્શન કર્યા બાદ સવગૃહી જતા માઁ ભક્તો એક વ્યક્તિ દીઠ પ્રસાદના 20-20 પેકેટ ખરીદતા જોવા મળ્યા હતા.
પોલીસ કંટ્રોલરૂમ : દર વખતની જેમ આ વખતે પણ અંબાજી મેઈન સર્કલ પાસે પોલીસ દ્વારા એક કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે. ત્યાં આગળ કોઈ વ્યક્તિ ન મળે, કોઈ વ્યક્તિ ખોવાઈ જાય કે કોઈ વ્યક્તિને વ્યક્તિ સાથે મિલાપ કરાવો હોય અથવા તો કોઈ પણ મદદ માટે જરૂર પડે તો કંટ્રોલ રૂમ ઉપર જઈ ત્યાં પોલીસનો કોન્ટેક્ટ કરી શકાય છે. ત્યાં પોલીસ પણ સતત રાત-દિવસ યાત્રિકોને સેવા પૂરી પાડી રહ્યા છે.
મેડિકલ કેમ્પની સુવિધા : મહત્વની વાત છે કે, મા અંબાના ધામ પર લોકો દૂર દૂરથી ચાલતા આવતા હોય છે. જેમને વધારે ચાલવાના કારણે શરીરમાં દુખાવો થતો હોય અને પગમાં ચાંદા પડી જતા હોય છે. તેથી તેઓ ચાલી શકતા નથી. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર દવાઓના કેમ્પ શરુ કરવામાં આવ્યા છે. જેમાં નિશુલ્ક યાત્રિકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત : અંબાજી મેળામાં લાખો યાત્રિકો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાઓની સુખ-સુવિધા અને સલામતી માટે પોલીસ તંત્ર રાત દિવસ ખડે પગે કામગીરી કરી રહ્યું છે. યાત્રિકોની સલામતી સાથે સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. મેળામાં યાત્રિકોની સઘન સુરક્ષા માટે 6,500 પોલીસ જવાનો ખડે પગે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત મેળામાં 400 જેટલા સીસીટીવી કેમેરાથી યાત્રાળુઓની સલામતી માટે બાજ નજર પણ રાખવામાં આવી રહી છે. ભાદરવી પૂનમના મેળામાં આ પાંચ દિવસ દરમિયાન પોલીસ તંત્રની કામગીરી અડીને આંખે વળગે તેવી રહી છે. અંબાજી મેળા દરમિયાન 20 નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના અધિકારી, 54 પોલીસ ઇન્સ્પેક્ટર, 150 પોલીસ સબ ઇન્સ્પેકટર સહિત પોલીસ જવાનો વિવિધ સ્થળોએ તેમના સોંપેલ પોઇન્ટ પર ફરજ બજાવી રહ્યા છે. આ ઉપરાંત સાત બીડીએસની ટીમ, ક્યુઆર ટીમ ખડેપગે સેવા આપી રહી છે.
ભક્તો માટે સેવાકેમ્પ : 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર દરમિયાન લાખો મા ભક્તો પગપાળા ચાલી માતાના દર્શન માટે જતા હોય છે. ત્યારે આ પગપાળા યાત્રીઓને રહેવા,જમવા અને ખાવા-પીવામાં તકલીફ ન પડે તે માટે સેવાભાવી લોકો દ્વારા રોડની બંને બાજુ કેમ્પ બાંધવામાં આવે છે. જેમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કરીને દર્શનાર્થીઓ જે પગપાળા ચાલીને આવે છે તેમને કોઈ પ્રકારની તકલીફ ન પડે. ત્યારે જ્યાં જ્યાં વિસામો લેવો હોય ત્યાં વિસામો લઈ ફરી પાછા માઁ અંબાના નાદ સાથે અંબાજી ધામ તરફ પ્રયાણ કરી રહ્યા છે.
- Ambaji News: આજથી અંબાજી ભાદરવી પૂનમ મેળાનો પ્રારંભ, મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સગવડની વ્યવસ્થા વિશે જાણો
- Ambaji Bhadarvi Poonam : અંબાજી જતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યા