ફેબ્રુઆરી ૨૦૧૮માં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે કોંગ્રેસના પ્રચાર માટે ડીસા આવેલા અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના તત્કાલીન જિલ્લા પોલીસ વડા સામે ભ્રષ્ટાચારના સંગીન આક્ષેપો કર્યા હતા. આક્ષેપો બાદ તત્કાલીન જિલ્લા પોલીસ વડા નિરજકુમાર બડગુજરે ડીસા કોર્ટમાં અલ્પેશ ઠાકોર વિરુદ્ધ માનહાનીનો કેશ દાખલ કરતા અલ્પેશ ઠાકોરને આજે ફરી ડીસા કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવતા અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં હાજર થયા હતાં.
અલ્પેશ ઠાકોર ડીસા કોર્ટમાં રહ્યા હાજર, આગામી 15 તારીખે હાજર રહેવા કોર્ટે કર્યું ફરમાન
બનાસકાંઠા: માનહાનિ કેસને લઇ એક પછી એક મુશ્કેલીમાં ફસાઈ રહેલા અલ્પેશ ઠાકોર મંગળવારે ડીસાની કોર્ટમાં હાજર થયા હતાં. કોર્ટે આગામી ૧૫ તારીખે કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે.
કોર્ટમાં અડધો કલાક સુધી ચાલેલી કાર્યવાહી બાદ અલ્પેશ ઠાકોરને આગામી ૧૫મી ઓક્ટોબરના હાજર થવાનું કોર્ટે ફરમાન કર્યું હતું. આજે ડીસા કોર્ટમાં માનહાનિના કેશમાં હાજર થયેલા અલ્પેશ ઠાકોરને આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની પેટા ચૂંટણી વિશે સવાલ કરતા એક સમયે ભાજપની દરેક નીતિનો આંધળો વિરોધ કરનાર અલ્પેશ ઠાકોર આજે ભાજપ અને દેશના વડાપ્રધાનના ગુણગાન ગાતા નજરે પડ્યા હતાં.
આ ઉપરાંત રાધનપુર બેઠક પર ઠાકોર સમાજના જ આગેવાન મગનજી માળી અલ્પેશ ઠાકોર સામે ચૂંટણી લડવા માટેની તૈયારી દર્શાવી છે. જેને લઈ પૂછવામાં આવેલા સવાલ અંગે અલ્પેશે જવાબ આપવાના બદલે ભાજપના જ ગુણગાન ગાવાનું ચાલુ રાખ્યુ હતું.