આ સમગ્ર છબરડો ધાનેરાની સૌથી જૂની અને ગ્રાન્ટેડ ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં બન્યો છે. શાળા દ્વારા જે બાળકીને કાઢી મૂકવામાં આવી છે તે બાળકી 10માં ધોરણમાં નાપાસ થઈ હતી અને શાળાએ તેને 11માં ધોરણમાં પ્રવેશ પણ આપી દીધો હતો. વિદ્યાર્થીની સત્ર શરૂ થયું ત્યારથી શાળાએ જઇ રહી છે અને તેની પાસે શાળાનો યુનિફોર્મ અને પુસ્તકો પણ છે. આ સાથે જ શાળાના ધારા ધોરણો મુજબ જે હોમવર્ક આપવામાં આવ્યું છે, તેમાં પણ ક્લાસ ટીચર દારા ગુડ લખીને સાઈન પણ કરેલી છે.
ધાનેરામાં શાળાની બેદરકારી આવી સામે, ધોરણ 10માં નાપાસ વિદ્યાર્થીનીને ધોરણ 11માં આપ્યો પ્રવેશ...
બનાસકાંઠાઃ દેશને કન્યા કેળવણીનું સૂત્ર આપનારા ગુજરાતમાં જ આ સૂત્રની ધજ્જીયા ઊડી રહી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગ કેટલું ખાડે ગયેલું છે તેની પ્રતીતિ કરાવતી ઘટના બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં સામે આવી છે. જ્યાં ધોરણ 10માં નાપાસ થયેલી વિદ્યાર્થીનીને પહેલા ધોરણ 11માં પ્રવેશ આપી બાદમાં શિષ્યવૃત્તિ ફોર્મ ભર્યુ ત્યારે શાળાને ખબર પડી કે, આ વિદ્યાર્થીની 10માં ધોરણમાં નાપાસ થયેલી છે. જેથી આ બાળકીને શાળામાંથી કાઢી મુકવામાં આવી છે.
શાળામાં જ્યારે વિદ્યાર્થીનીનું શિષ્યવૃતિ માટે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે શાળાને આ બાળકી 10માં ધોરણમાં નાપાસ થઈ હોવાની ખબર પડી હતી. 10માં ધોરણમાં નાપાસ થયા બાદ ચાર મહિના સુધી આ બાળકીએ શાળામાં અભ્યાસ કર્યો અને હવે તેને શાળામાથી કાઢી મૂકવામાં આવી છે. આ ગંભીર છબરડા બાદ શાળાના આચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો, શાળાના આચાર્યએ કેમેરા સામે કઈ પણ કહેવાનો ઈનકાર કરી આ સમગ્ર વાત પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્યે જણાવ્યું હતુ કે, બાળકીનું ભુલથી એડમિશન થઈ ગયું હતું.