- પાલનપુર તાલુકાના ધાણધા ગામ પાસે છકડો રિક્ષા પલટી
- પીતાની નજર સામે ચાર વર્ષેના પુત્રનું મોત
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
બનાસકાંઠાઃ જિલ્લામાં પાલનપુર પાસે આવેલા ધાણધામાં છકડો રિક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સિદ્ધપુર ખાતે રહેતા સુરેશ પટણી તેમના પુત્ર અશોક સાથે મંગળવારે વહેલી સવારે છકડો રિક્ષામાં બેસી જઇ રહ્યા હતા, તે સમયે ધાણધા ગામ પાસે અચાનક છકડો રિક્ષા પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરેશ પટણીની નજર સામે જ તેમના ચાર વર્ષેના પુત્રને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળે કરુંણ મોત થયું હતું. તેમજ સુરેશભાઈને ગંભીર ઇજાઓ થઇ હતી.
પાલનપુર તાલુકાના ધાણધા ગામે અકસ્માત ઇજાગ્રસ્તને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
આ બનાવને પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સુરેશ પટણીને સારવાર માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પાલનપુર તાલુકા પોલીસે ઘટનાસ્થળે આવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. તેમજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં વારંવાર બની રહી છે અકસ્માતની ઘટનાઓ
બનાસકાંઠા જિલ્લામાં રોજબરોજ અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને હેવી વાહનોના ગફલત ડ્રાઇવિંગના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. રોજબરોજ બનતી અકસ્માતોની ઘટનામાં અત્યાર સુધી અનેક માસૂમ લોકોએ પોતાની જિંદગી ગુમાવી છે. ત્યારે સત્વરે આવા મોટા હેવી વાહનોના ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો જ આવનાર સમયમાં અકસ્માતના બનાવો અટકી શકે તેમ છે.