ભારત અને બાંગ્લાદેશ બોર્ડર પર આંતરરાષ્ટ્રીય પશુઓની તસ્કરી મોટાપાયે થાય છે, જેને રોકવા માટે BSFના જવાનો દિનરાત ખડે પગે ફરજ બજાવી છેલ્લા એક વર્ષમાં અંદાજે ભારતમાંથી બાંગ્લાદેશમાં તસ્કરી કરતા પાંચ હજારથી પણ વધુ પશુઓને ઝડપી પાડ્યા છે.
પાલનપુરમાં ગૌશાળા સંચાલક અને કલેક્ટરની બેઠક યોજાઈ
બનાસકાંઠાઃ જિલ્લાના પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને ગૌશાળા સંચાલકોની બેઠક યોજાઇ હતી. જેમાં આંતરરાષ્ટ્રીય તસ્કરી કરતા ઝડપાયેલા પશુઓને બનાસકાંઠા જિલ્લા ગૌશાળામાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો.
જોકે આ પશુઓને ઝડપ્યા બાદ કઈ જગ્યાએ આશરો આપવો તે BSFના જવાનો માટે મોટો પ્રશ્ન બની ગયો હતો. ત્યારે તેઓએ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો સાથે વાતચીત કરતા અને ગૌશાળાઓની સ્થિતિ જોતા અહીં જ પશુઓને રાખવા માટેનો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત આજે BSFના અધિકારીઓ, જિલ્લાની 136 ગૌશાળાના સંચાલકો અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેની સંયુક્ત બેઠક પાલનપુર કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લાના ગૌશાળાના સંચાલકોએ કોઈપણ જાતની શરત વગર દેશની રક્ષા કરતા જવાનોએ બચાવેલા પશુધનને રાખવાનો નિર્ણય લીધો છે.
પરતું એક તરફ બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાના સંચાલકો તેમના પશુઓનું માંડ-માંડ પૂરું કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ દેશનું રક્ષણ કરતા જવાનોએ પકડેલા 6 હજાર જેટલા પશુઓને રાખવા માટે જિલ્લાની ગૌશાળાના સંચાલકો તરત જ તૈયાર થઈ જતા અને તે પણ કોઈપણ જાતની શરત વગર ગૌશાળાના ખર્ચે પશુઓને રાખવા માટે તૈયાર થતાં કલેક્ટરે પણ તમામ સંચાલકોને આભાર માન્યો હતો.