- મધરાત્રે સુઈ રહેલા શ્રમિકો સાથે ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત
- ઝૂંપડામાં સુઈ રહેલાં 4 શ્રમિકોને અડફેટે લઈને ડમ્પર ચાલક ફરાર
- તાજેતરમાં જ સુરતનાં કીમ ચાર રસ્તા ખાતે આવી ઘટના બની હતી
બનાસકાંઠા: જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં હિટ એન્ડ રનનાં બનાવોમાં અનેક નિર્દોષ લોકોને જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે જિલ્લા મથક પાલનપુર ખાતે વધુ એક હિટ એન્ડ રનનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.
ઇજાગ્રસ્ત લોકોને બનાસ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ ખસેડાયા
પાલનપુર શહેરનાં છેવાડે આવેલા હાઇવે વિસ્તારમાં સેંકડો પરપ્રાંતિય શ્રમિકો ઝૂંપડાઓમાં રાત વિતાવતા હોય છે. ગત મધરાત્રે હાઇવે નજીક ઝૂંપડાઓમાં સાબરકાંઠાના કેટલાક શ્રમિકો સુઈ રહ્યા હતા. ત્યારે એક અજાણ્યાં ડમ્પરચાલકે પુરપાટ ઝડપે આવીને ઝૂંપડામાં સુઈ રહેલાં 4 શ્રમિકોને અડફેટે લીધાં હતાં. જે પૈકી એકનું મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણ શ્રમિકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડમ્પર ચાલક અકસ્માત બાદ ઘટના સ્થળે ડમ્પર મૂકીને નાસી છૂટ્યો હતો. જ્યારે તમામ ઘાયલોને બનાસ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ ખસેડાયા છે.
હિટ એન્ડ રનના બનાવમાં પોલીસે હાથ ધરી તપાસ
હિટ એન્ડ રનના બનાવમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસતંત્ર દર વખતે આવી ઘટનાઓ બાદ માત્ર કાગળો પર કાર્યવાહી કરીને સંતોષ માની લેતી હોય છે. પરંતુ આવી દુર્ઘટનાઓ રોકવા પોલીસ દ્વારા કોઈજ નક્કર કાર્યવાહી કરાતી નથી. પાલનપુરમાં મધરાત્રે બનેલ હિટ એન્ડ રનના બનાવમાં પણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આરોપી ડમ્પર ચાલકને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.