બનાસકાંઠામાં તસ્કરો બેફામ બન્યા છે, જેમાં આજે 108 એમ્બ્યુલન્સ વાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરવાનો પ્રયાસ કર્યો હતો. પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલ છાપી લોકેશનની 108 એમ્બ્યુલન્સ વાન મૂકી તેના ઇ એમ ટી વિક્રમ પરમાર અને પાયલોટ ગોવિંદ પરમાર સુતા હતા. તે દરમિયાન રાત્રિના 2:11 કલાકે અજાણ્યા શખ્સોએ 108 એમ્બ્યુલન્સના કંડક્ટર સાઈડનો દરવાજો ખોલી, વાન ચાલુ કરી તેની ઉઠાંતરી કરી ગયા હતા. જોકે આ તસ્કરો ટેક્નિકલ બાબતમાં પણ જાણકાર હોવાથી વાનની GPS સિસ્ટમનો કેબલ પણ કાપી નાખ્યો હતો.
બનાસકાંઠામાં તસ્કરો બેફામ, પોલીસની ગાડી બાદ હવે 108 એમ્બ્યુલન્સ વાનની ચોરી - ROBBERY
પાલનપુર: તસ્કરોએ બનાસકાંઠામાં શનિવારે પોલીસની આંખોમાં સ્પ્રે મારીને પોલીસની જ ગાડીની લૂંટ કરી હતી. ત્યારબાદ આજે 108 એમ્બ્યુલન્સ વાનની ચોરી કરવાની ઘટના સામે આવી છે. આ એક પછી એક એમ બે દિવસમાં બનેલી પડકાર રૂપ ઘટનાઓ સામે આવતા પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉદ્દભવી રહ્યાં છે.
આ બનાવની જાણ થતાં છાપી પોલીસ અને 108 એમ્બ્યુલન્સના સંચાલકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. CCTV અને GPS લોકેશનનાં આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન તસ્કરો થરાદનાં જેતડા પાસે એમ્બ્યુલન્સ મૂકીને ફરાર થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે રોડ પરથી પસાર થતા લોકોએ બિનવારસી હાલતમાં પડેલી 108 એમ્બ્યુલન્સની જાણકારી આપી હતી. ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ વાનના સંચાલકો અહીં આવી પહોંચ્યા હતા. જ્યારે પોલીસે એમ્બ્યુલન્સ વાનનો કબ્જો મેળવીને અજાણ્યા તસ્કરોની તપાસમાં ચક્રો ગતિમાન કર્યાં છે.