બાયડમાં પશુ પાલક મહિલાઓએ 800 લીટર દુધ ઢોળી નોંધાવ્યો વિરોધ - womens
અરવલ્લી: જિલ્લાના બાયડના વારેણા ગામે મહિલા દૂધ ડેરીની માગ સાથે મહિલાઓએ દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં મહિલા દૂધ ડેરીની માગ કર્યા હોવા છતાં ડેરી ફાળવવામાં ન આવતા મહિલાઓએ છાજિયા લઇને 800 લીટર જેટલું દૂધ રસ્તા પર ઢોળી જબરજસ્ત વિરોધ વ્યક્ત કર્યો હતો. બાયડના વારેણા દૂધ મંડળી અને અરજણવાવ શીતકેન્દ્ર વચ્ચે લાંબા સમયથી આ બાબતે શીતયુદ્ધ ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વારેણા ગામમાં આંતરિક વિખવાદને કારણે જૂથ પડી ગયા છે. જેમાં એક જૂથની મહિલાઓ દ્વારા સાબરડેરીમાં મહિલા દૂધ ઉત્પાદક મંડળીની માંગ સાથે ચોઈલા ગામે આવેલી આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ ભરાવવામાં આવતું હતું. વારેણા દૂધ મંડળીના સંચાલકોએ સાબરડેરીની રજૂઆત કરી વારેણા દૂધ ઉત્પાદક મંડળીના પશુ ધિરાણ સહીત અન્ય ધિરાણ બાકી હોવાથી સાબરડેરીએ આદર્શ ચોઈલા દૂધ મંડળીમાં દૂધ નહી સ્વીકારવા આદેશ કર્યો હતો. જેને લઇને મહિલાઓએ 800 લીટર દૂધ ન સ્વીકારતા મહિલાઓએ આ બાબતે અરજણ શીતકેન્દ્રમાં રજૂઆત પણ કરી હતી. પરંતુ આ બાબતે કોઇ યોગ્ય ઉકેલ ન આવતા મહિલાઓએ 800 લીટર દુધ સાબરડેરીની સામે ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો.