- લોનની રિકવરી માટે બાઈકની ચોરી કરવું બે એજન્ટોને ભારે પડ્યું
- અરવલ્લીમાં લોનની રિકવરી કરવા બાઈક એજન્ટોએ બાઈક ચોરી કર્યું
- બાઈકમાલિકની પરવાનગી વગર બંને એજન્ટ બાઈક ઊઠાવી ગયા
- પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરી બંને આરોપીને ઝડપી પાડ્યા
અરવલ્લીમાં લોનની વસૂલી કરવા બાઈકની ચોરી કરનારા બે આરોપી ઝડપાયા - એજન્ટ
અરવલ્લી જિલ્લાના મેઘરજના મુખ્ય બજારમાં બાઈક ચોરી થયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી . પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસતા પલ્સર બાઈક મોડાસાના બે શખ્સ ઉઠાવી ગયા હોવાનું જાણવા મળ્યુ હતું. પોલીસે વધુ તપાસ કરતા બંને લોન એજન્ટ નીકળતા તેમની ધરપકડ કરી ચોરીના ગુનામાં જેલના હવાલે કરી દીધા છે.
અરવલ્લીઃ લોન રિકવરી માટે ફાઈનાન્સ કંપનીઓ વિવિધ પ્રકારના નુસખાં અપનાવતી હોય છે. મોડાસાના રીકવરી એજન્ટોએ તો હદ કરી નાખી. આ એજન્ટોએ લોનના હપ્તા વસૂલ કરવા બાઈકમાલિકની પરવાનગી વિના બાઈક ઉઠાવી લીધું, પરંતુ આવું કરવું તેમને ભારે પડ્યું હતું. આ બનાવની વિગત એવી છે કે, મેઘરજના મુખ્ય બજારમાં પલ્સર લઈને આવેલા એક યુવક તેની બાઈક શોપિંગ સેન્ટર આગળ પાર્ક કરી કામકાજ અર્થે ગયા હતો. તેણે બાઈક પર લીધેલી લોનના હપ્તા બાકી હોવાથી તેની જાણ બહાર પાર્ક કરેલું બાઈક મોડાસાના બે એજન્ટો હાર્દિક રસીકલાલ ભાવસાર અને સંજય સુરેશભાઈ વસાવા ઉપાડી ગયા હતા. બાઈક માલિકે બાઇક ન મળતા ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
બન્ને એજન્ટો સામે ચોરીનો ગુનો નોંધાયો
પોલીસે બાઈક ચોરને ઝડપી પાડવા ઘટનાસ્થળની આજુબાજુની દુકાનોના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં બે યુવકો બાઈક ખેંચીને થોડે દૂર લઈ ગયા બાદ બાઈક ચાલુ કરી લઈ જતા જોવા મળ્યા હતા. પોલીસે બાતમીદારો અને સર્વલન્સના આધારે પલ્સર બાઈક લઇ જનાર હાર્દિક રસીકલાલ ભાવસાર અને સંજય સુરેશભાઈ વસાવાને બાઈક સાથે દબોચી લીધા હતા.