બાયડઃ વર્ષ 2017માં ધી બાયડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળીમાં રૂ. 1.45 કરોડની ઉચાપત થતા ચકચાર મચી ગઈ હતી. જે તે વખતે બાયડ પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા, પરંતુ આરોપી ઝડપાયો ન હતો.
અરવલ્લીમાં રૂપિયા 1.45 કરોડની ઉચાપત કરનારો આરોપી ઝડપાયો
વર્ષ 2017માં અરવલ્લીના બાયડમાં ધી બાયડ તાલુકા પંચાયતના કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળીમાં રૂ. 1.45 કરોડની ઉચાપતની ફરિયાદ બાયડ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં અન્ય હોદ્દેદારો સહિત રામપુરા કંપા-વસાદરાના અને મંડળીમાં માનદ સહમંત્રી મોહન વિઠ્ઠલભાઈ પટેલ સામે ઉચાપતનો કેસ નોંધાતા મોહન ફરાર થઈ ગયો હતો.
જો કે, બાયડ પોલીસને મોહન પટેલ ઘેર આવ્યો હોવાની બાતમી મળતા તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંડળીના માનદ સહમંત્રી મોહન વિઠ્ઠલ પટેલે મંડળી અને બેન્ક સાથે વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. મોહન વિઠ્ઠલ પટેલ તેના ઘરે આવતો જતો હતો, પરંતુ પોલીસના હાથે આવતો ન હતો. આખરે ત્રણ વર્ષ પછી પોલીસે ચોક્કસ બાતમીના આધારે તેના રામપુરા કંપા-વસાદરા ગામેથી મોહન પટેલને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી તેનો કોરોના ટેસ્ટ કરાવી ક્વોરન્ટાઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મોહન પટેલ ઝડપાઈ જતા અન્ય અરોપીઓમાં ફફડાટ વ્યાપ્યો છે.