અરવલ્લીની આદર્શ શાળા જે ગુજરાતની તમામ શાળા માટે બની શકે છે 'આદર્શ' !
અરવલ્લીના ધનસુરા તાલુકાનું ખોબા જેવડું આકરૂન્દ ગામમાં માંડ 5થી 6 હજાર વસ્તી પરંતુ ગામની શોભા એટલે ગામના સીમાડે આવેલી આકરુન્દ આદર્શ પ્રાથમિક શાળા અન્ય સરકારી શાળા કરતા ચડિયાતી તો છે જ પરંતુ મસમોટી ફી લેતી ખાનગી શાળાઓ કરતા પણ એક કદમ આગળ છે.
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરાની આકરૂન્દ આદર્શ પ્રાથમિક શાળા જેવુ નામ એવી જ રીતે અન્ય શાળાઓ માટે આ શાળા આદર્શ બની છે. ખાનગી શાળાના ભપકાંથી અંજાઈને વાલીઓએ આજે સરકારી શાળાઓને ગરીબોની શાળાનું ઉપનામ લગભગ આપી દીધું છે. ત્યારે આદર્શ શાળા પરિસરમાં પ્રવેશતાની સાથે જ કોઇ પણ માણસની માનસિકતા ન બદલાય તો જ નવાઈ શાળા શિક્ષણ માટે તો હોય જ છે પરંતુ ભણતરની સાથે ગણતર કરાવતી હોય એવી જૂજ શાળાઓ છે. એમાં આદર્શ શાળાનું નામ કદાચ પ્રથમ હરોળમાં આવી શકે છે.
આ શાળાની સ્થાપના ઇસ 1933ની સાલમાં થઈ હતી. આ ગામના યુવક મંડળે સંપૂર્ણ લોક સહયોગથી આ શાળાનું ભવ્ય બિલ્ડીંગનું નિર્માણ કરી જિલ્લા શિક્ષણ સમિતિને અર્પણ કરી હતી. સમય જતા આધુનિકરણની આંધળી દોટના કારણે આ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી હતી. દસ વર્ષ પહેલા માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા 157 હતી. જો કે હાલના શિક્ષકોએ અભ્યાસની સાથે અનેકવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરી અને હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, વાલીઓ ખાનગી શાળામાંથી પોતાના બાળકોને આદર્શ શાળામાં દાખલ કરે છે.