અરવલ્લી/ મોડાસાઃઅરવલ્લી જિલ્લાના શામળાજી અને મોડાસા થી 10 કિ.મી દુર બાજકોટ ગામમાં રવિવારના 3 વાગ્યાના સુમારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને લઇ ને મોડાસા-શામળાજી હાઈવે પર પાણી ભરાયા હતા. પાણી ભરાતા મોટી સંખ્યામાં વાહનો અટવાયા હતા. જોકે, આ સિવાયના વિસ્તારોમાં અન્ય કોઇ જગ્યાએ વરસાદ પડ્યો નથી. રાજસ્થાનમાં ચોમાસાએ નિર્ધારિત સમય કરતાં બે દિવસ પહેલા પ્રવેશ કર્યો છે.
Gujarat Monsoon Updates: ધોધમાર વરસાદથી રાજસ્થાન હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી
ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું શરૂ થઈ ગયું છે. જેના કારણે ધરતીપુત્રો સહિત ગુજરાતીઓ ખુશખશાલ થઈ ગયા હતા. ચોમાસાએ ગુજરાતમાં વિધિવત એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રવિવારે રાજ્યના અનેક શહેરોમાં મેઘમહેર થઈ હતી. સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક ભાગોમાં પડેલા વરસાદને પગલે નદીઓ બે કાંઠે વહી હતી.
હાઈવે પર પાણીઃ રાજસ્થાન સરહદ પર આવેલા અરવલ્લી જિલ્લાના પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે હાઈવે પર પાણી ભરાયા હતા. એકસપ્રેસ વેમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીઓ પડી હતી. 24 કલાક વાહનોની અવર-જવર આ એકસપ્રેસ વે પર રહે છે. વાહનોની ગતિ ધીમી પડતાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. હવામાન વિભાગની માહિતી અનુસાર, રાજસ્થાનમાં ચોમાસાની રેખા ઉદયપુર, અજમેર, સીકરમાંથી પસાર થઈ રહી છે. આગામી 4 દિવસ પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે. બીજી તરફ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ છે. જેના કારણે પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ચોમાસું શરૂઃઉત્તર ગુજરાતથી લઈ મહારાષ્ટ્ર સુધી ચોમાસું સક્રિય થયું છે. ગુજરાત રાજ્યના 82 તાલુકામાં ધોધમાર વરસાદ રવિવારે થયો હતો. આ વખતે ચોમાસું 12 દિવસ મોડું શરૂ થયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારથી ચાર દિવસ સુધી રાજસ્થાનથી લઈ મહારાષ્ટ્ર પંથક સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસું વરસાદને કારણે આસપાસના નદીનાળામાં નવા નીર જોવા મળ્યા હતા. જોકે, ગ્રામ્ય પંથકમાં વરસાદને કારણે ખેતરમાં પાણી ભરાયા હતા.