- અરવલ્લીમાં આઈપીએલ પર સટ્ટો રમતા 4 ઝડપાયા
- ગાંધીનગર સાયબર ક્રાઈમની ટીમે દરોડા પાડ્યા
- રૂ. 5.46 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત, 3 આરોપી ફરાર
- આરોપી લૉકડાઉનમાં અરવલ્લી આવ્યો હતો
- આરોપી પોતાના ઘરે અન્ય મિત્રોને સટ્ટો રમાડતો હતો
અરવલ્લીમાં IPL પર સટ્ટો રમતા 4 બૂકીઓ ઝડપાયા, 5 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
અરવલ્લી જિલ્લાના ભિલોડામાં આઈપીએલની ક્રિકેટ મેચમાં સટ્ટો રમાડી રહેલા ચાર બૂકીઓને ગાંધીનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની રેન્જની ટીમે ઝડપી પાડ્યા છે. પોલીસે સટ્ટો રમાડવા ઉપયોગમાં લેવામાં આવેલા 12 મોબાઈલ સહિત રૂ. 5.46 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અરવલ્લીઃ લૉકડાઉનમાં મહારાષ્ટ્રથી ભિલોડા આવેલા 4 શખ્સ અહીં લોકોને આઈપીએલ મેચ પર સટ્ટો રમાડતા હતા. ગાંધીનગર સાયબર ક્રાઈમે ચાર આરોપીને ઝડપી પાડ્યા છે. જ્યારે ત્રણ આરોપી હજી ફરાર છે. ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમને આ અંગે બાતમી મળી હતી. એટલે સાયબર ક્રાઈમની ટીમે અરવલ્લી જિલ્લાના ભિલોડોમાં સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી બાતમીના આધારે ભિલોડા તાલુકાના ભુતાવડ ગામમાં દરોડા પાડ્યા હતા. તે દરમિયાન લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે આઈપીએલ મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. ભુતાવડ ગામના અને મહારાષ્ટ્ર રહેતા મીતેન રમેશભાઈ પરમાર (દરજી)ના ઘરે ત્રાટકી ત્રણ મહારાષ્ટ્રના બુકી આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ ક્રિકેટ ટીમ વચ્ચે રમાઈ રહેલી મેચની હાર જીત પર, મોબાઈલ ફોન તેમ જ લેપટોપ ઉપર પૈસાની હાર જીતનો ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા, રમાડતા ઝડપી પાડ્યા હતા.