તાજેતરમાં G.D.Pના આંકડા બહાર પડ્યા તેના પરથી એક વસ્તુ સ્પષ્ટ થઈ છે કે, દેશ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. ઘરેલુ ઉત્પાદન ઓછું થવાના કારણે મજૂર થી લઈને માલિક સુધી દરેકને અસર થઈ છે. ટ્રાન્સપોર્ટના ધંધા પર પણ તેની વિપરીત અસર પડી છે.
છેલ્લા પાંચ વર્ષમાં ટ્રાન્સપોર્ટના ધંધાને એક યા બીજા કારણસર ફટકો પડ્યો છે. એક સમયે ધમધમતો ટ્રાન્સપોર્ટનો ધંધો 2016માં થયેલ નોટ બંધી અને ત્યારબાદ G.S.Tના કારણે મંદ પડ્યો છે. ઘરેલુ ઉત્પાદનમાં ઘટ આવવાના કારણે માલની હેરાફેરી ઓછી થઈ છે. જેની સીધી અસર ટ્રાન્સપોર્ટના ધંધાને થઈ છે. અરવલ્લી જિલ્લામાં મોડાસામાં ચાર પાંચ વર્ષ પહેલા અંદાજે બે હજાર કરતાં વધારે ટ્રકો હતા. હાલમાં 700 થી 800 ટ્રકો છે.
ટ્રાન્સપોર્ટના ધંધા પર પડી રહ્યો છે મંદીનો માર મુંબઈ થી દિલ્હી માલની હેરાફેરી કરનાર ડ્રાઇવરોની પણ હાલત ખરાબ છે. જ્યાં પહેલા તેઓ એક માસમાં દિલ્હી મુંબઈના ચારથી પાંચ ચક્કર લગાવતા હતા. તે માત્ર 2 ચક્કર લગાવી શકે છે. જેના કારણે તેમની આવક પર અસર થઈ છે. તેમના પરિવારનું ગુજરાન ચલાવું પણ મુશ્કિલ થઈ રહ્યું છે.
આ ઉપરાંત વીમા કંપનીઓએ પણ છેલ્લા પાંચ વર્ષમાં પ્રીમિયમમાં 100 ટકા જેટલો વધારો કર્યો છે. ડીઝલના વધતા જતા ભાવે ટ્રક માલિકોની કમર ભાંગી નાખી છે. વધુમાં હાઇવે પર ના ટોલ ટેક્ષના કારણે મુંબઈ થી દિલ્હીના ફેરામાં 20 હજાર જેટલો ખર્ચ થાય છે. ટ્રક માલિકોના જણાવ્યા અનુસાર રોડ પર પણ R.T.Oની હેરાનગતિ પણ ખૂબ વધી છે.
ટ્રાન્સપોર્ટના ધંધામાં મંદીના કારણે સ્થાનિક સહકારી બેન્કોએ વ્યાજના દર ખૂબ જ ઘટાડી દીધા છે. પહેલા જ્યારે 1.8 ટકા વ્યાજ દર હતો. તે હાલ 1.0 પર છે. તેમ છતાં કોઈ લૉન લેવા તૈયાર નથી.