- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી
- ગ્રામજનોએ ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા
- દૂધ મંડળીની મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલન
માલવણ ગામે મહિલા દૂધ મંડળીના મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી
મોડાસા તાલુકાના માલવણના ગ્રામજનોએ નવી મહિલા દૂધ મંડળીની મંજૂરી નહિ મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ગ્રામજનોએ એક વર્ષ અગાઉ સાબર ડેરીમાં નવીન મહિલા દૂધ મંડળી માટે માગણી કરી હતી. જે માગ હજુ સુધી સંતોષાઇ નથી.
અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકાના માલવણના ગ્રામજનોએ નવી મહિલા દૂધ મંડળીની મંજૂરી નહિ મળે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. નોંધનીય છે કે, ગ્રામજનોએ એક વર્ષ અગાઉ સાબર ડેરીમાં નવીન મહિલા દૂધ મંડળી માટે માગણી કરી હતી. જે માગ હજુ સુધી સંતોષાઇ નથી.
ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા
અરવલ્લી જિલ્લાના મોડાસાના માલવણ ગામના ગ્રામજનો પાંચ કિલોમીટર દૂર કેશાપુર દૂધ મંડળીમાં દૂધ ભરાવવા જાય છે. જો કે મંડળીમાં વારંવાર ભાવ પત્રક કરતાં ઓછા ભાવ મળવાના આક્ષેપ ગ્રામજનો કરતા હોય છે. આગવી દૂધ મંડળી સ્થાપવાના હેતુથી માલવણના ગ્રામજનોએ ફાળો કરી દૂધ એકત્ર કરવાના સાધનો વસાવ્યા છે. દૂધ મંડળી માટે જિલ્લા રજીસ્ટ્રાર, સ્થાનિક ડિરેક્ટર અને નજીકના ગામની મંડળી એ પણ મંજૂરી આપી છે. દૂધ મંડળી માટે સાબર ડેરીમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અગમ્ય કારણસર મંજૂરી આપવામાં વિલંબ કરવામાં આવતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો. ગ્રામજનોએ દૂધ મંડળીની મંજૂરી ન મળે તો ઉગ્ર આંદોલન અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.