મોડાસાઃ આગામી સોળ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થવાની છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોના વેક્સીનનો જથ્થો મોડાસા ખાતે આવી પહોંચ્યો હતો. રાજ્યકક્ષાએથી અરવલ્લી જિલ્લામાં કુલ 12,640 ડોઝ મોકલવામાં આવ્યા છે. જેના થકી પ્રથમ તબક્કામાં કુલ 10,340 જેટલા આરોગ્ય કર્મચારીઓને સરીકરણથી આવરી લેવામાં આવશે. આગામી બે દિવસમાં જિલ્લાના છ તાલુકાઓમાં વેક્સીન પહોંચાડવામાં આવશે.
ઇન્ટ્રામસ્ક્યુલર રૂટથી રસી આપવામાં આવશે
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાની તાલુકા આરોગ્ય કચેરી ખાતે સીરમ ઇન્સટીટ્યુટ ઓફ ઇન્ડીયા પ્રા.લિ દ્વારા બનાવવામાં આવેલા કોવિડ-19 વેકસીનના 12,640 ડોઝ આવી ચુક્યા છે. જેના થકી પ્રથમ તબક્કામાં 10,340 આરોગ્યની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓને રસીકરણથી આવરી લેવામાં આવશે. કોવિડ-19 ના કુલ બે ડોઝ આપવામાં આવશે. દરેક ડોઝ 0.5 ml ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ થી આપવામાં આવશે. રસીકરણનો પ્રથમ ડોઝ આપ્યા પછી બીજો ડોઝ 28 દિવસ બાદ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર દ્રારા આપવામાં આવી હતી.