- વોર્ડ 12માં અનોખું વિજય સરઘસ
- ભાજપની વિજેતા પેનલે રિક્ષામાં કાઢ્યું સરઘસ
- વોર્ડ 12માં ભાજપના જીતેલાં ઉમેદવારોએ વિજય સરઘસ ફેરવ્યું
આણંદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જંગી બહુમતી મેળવતાં સમગ્ર રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ ભાજપનું નોંધનીય પ્રદર્શન દેખાયું છે. જેમાં જિલ્લા પંચાયતમાં 35 બેઠકો, આઠમાંથી સાત તાલુકા પંચાયત તથા તમામ 6 નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા હાંસલ કરી છે. તેવામાં જિલ્લાના મુખ્ય મથક એવા આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 12માં ભારતીય જનતા પક્ષની પેનલ વિજયી બનતા અનોખું વિજય સરઘસ શહેરના માર્ગો પર જોવા મળ્યું હતું.
- રિક્ષામાં લગાવી રજવાડી છત્રી
આણંદમાં વોર્ડ 12ના ઉમેદવારનું અનોખું વિજય સરઘસ
સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓમાં ભાજપે આણંદ જિલ્લામાં, તાલુકામાં અને નગરપાલિકામાં ઝળહળતી સફળતા મેળવી છે. ભાજપના વિજયી ઉમેદવારોએ યોજેલા વિજય સરઘસમાં આણંદના વોર્ડનંબર 12ના વિજયી ઉમેદવારોએ રીક્ષામાં રજવાડી છત્રી લગાવીને યોજેલું સરઘસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
વોર્ડ નંબર 12 ની પેનલ વિજય બનતા ઉમેદવાર મહેન્દ્ર સોલંકી, મેહુલ પટેલ, નયના ભટ્ટ અને રેખાબેન વસાવાએ બે સીએનજી રીક્ષામાં રજવાડી છત્રી લગાવી મતવિસ્તારમાં વિજય સરઘસ કાઢ્યું હતું. જેણે શહેરમાં ભારે આકર્ષણ સર્જ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 12માં મિશ્ર પ્રતિસાદ જોવા મળતો હતો. જેમાં બે બેઠક કોંગ્રેસ ત્યારે બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યાં હતાં, ત્યારે હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 માં ભારતીય જનતા પાર્ટીની પેનલ વિજય બનતા ઉમેદવારો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.