આણંદઃ કોરોના વાઇરસની મહામારી સામે સરકાર દ્વારા ગરીબો માટે વિનામૂલ્યે અનાજના વિતરણની યોજનાઓ જાહેર કરવામાં આવી છે, ત્યારે લોકો સુધી પહોંચતા સરકારી અનાજની ગતિવિધિઓને શરૂ રાખવા તથા આ સાથે સંકળાયેલા કર્મચારીઓ અને મજૂરોના સ્વાસ્થ્યની ચિંતા કરતાં સરકાર દ્વારા તેમની આરોગ્યની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જે ગોડાઉનમાં સરકારી અનાજ રાખવામાં આવતું હોય, ત્યાં સેનેટાઈઝીંગની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી રહીં છે.
સરકારી ગોડાઉનમાંથી સરકારી અનાજ તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબો સુધી પહોંચતું હોય છે, ત્યારે તે ગોડાઉનની પણ સ્વચ્છતા રાખવી અને આ ગોડાઉન થકી સંક્રમણ ન ફેલાય તેની તકેદારી રાખવી તે આવશ્યક છે. જેથી આવા સંજોગોમાં આણંદ પુરવઠા વિભાગ દ્વારા આવનારા તબક્કામાં શરૂ થનારા અનાજના વિતરણ પૂર્વે તમામ કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઇ તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે જ તમામ ગોડાઉનને સેનેટાઈઝીંગ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેથી સરકારી ગોડાઉન અને તેની આસપાસના વિસ્તારમાં આણંદ નગરપાલિકાના સહયોગથી સેનેટાઈઝીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.