આણંદ: પેટલાદમાં ટાવર પાસે ભાઈચકલા વિસ્તારમાં પરિવાર સાથે રહેતા એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા તેમના રહેઠાણ વિસ્તારમાં સેનિટાઇઝ કરી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતો. તેમ છતાં દર્દીના સગા બજારમાં ફરતા હોવાની જાણ નગરપાલિકાને થતા તેમના મકાનને સીલ કરવાની કાર્યવાહી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. આણંદ જિલ્લામાં અત્યાર સુધી 367 કેસ નોંધાયા છે, ત્યારે કોરોનાની ગંભીરતા સમજી લોકો પણ હવે આ ચેપી બીમારીના સંક્રમણ સામે જાગૃત બની રહ્યા છે. આવા સંજોગોમાં પેટલાદના એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ 10 જુલાઈના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. દર્દીનું ઘર પેટલાદ શહેરના મધ્યમાં આવેલા ભાઈચકલા વિસ્તારમાં છે. તેમના નાનાભાઈની પેટલાદ બજારમાં ખેતીવાડી ઉત્પાદનની દુકાન છે. આ દુકાન દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંધ કરવામાં આવી હતી. જે બાદ થોડા દિવસોમાં જ તેમના નાનાભાઈ દ્વારા આ દુકાન ચાલુ ફરી કરવામાં આવી હતી. જેની જાણ જાગૃત નાગરિકોએ નગરપાલિકાને કરી હતી.
આ અંગેની જાણ ચીફ ઓફિસર હિરલ ઠાકરને થતા તેમના દ્વારા દિનેશભાઈના પરિવારને દુકાન ન ખોલવા સાથે જ ઘર બહાર ન નીકળવા જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પરિવારના સભ્યો દ્વારા આ બીમારીની ગંભીરતા ન સમજતા નગરપાલિકા દ્વારા દર્દીના મકાનને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે પેટલાદ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે, લોકોએ કોરોનાની ગંભીરતા સમજવી પડશે, વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા માટે સરકારી સૂચનાઓનું પાલન કરવું પડશે. સ્વયં જાગૃત બની આ બીમારી સામે બેદરકારી દાખવતા લોકોને પણ જાગૃત કરવા પ્રયત્નો હાથ ધરવા પડશે.