આણંદ: નાર ગામના કુંભારવાળામાં મકાનના પટાંગણમાં મગર આવી ચડ્યો હતો. જેને લઇને લોકડાઉન પરિસ્થિતિમાં ગામમાં લોકોમાં કુતૂહલતા જાગી હતી. ગામના સરપંચ રાજેશભાઈ મનુભાઈ પટેલ દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશનના હેલ્પ લાઇન પર કોલ કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા નેચર હેલ્પ ફાઉન્ડેશન વલ્લભ વિદ્યાનગર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પેટલાદનો સંપર્ક કરી તાબડતોડ સાધનોથી સજ્જ નેચર હેલ્પ ફાઉન્ડેશન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મગરનો રેસ્ક્યૂ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આણંદના નાર ગામમાં મગર આવી પહોંચ્યો, NGOએ સલામત સ્થળે છોડ્યો
આણંદના નાર ગામના કુંભારવાળામાં મકાનના પટાંગણમાં મગર આવી જતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જો કે વન વિભાગ દ્વારા ભારે જહેમત બાદ મગરને તેના રહેઠાણ પાસે છોડી મુકવામાં આવ્યો હતો.
સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મગર ગામનું તળાવ સુકાઈ જતા બીજા તળાવ બાજુ સ્થળાંતર કરતું હતું. આ મગર આશરે સાડા પાંચ ફૂટનો હતો, જેને ગાળીયાની મદદથી પાંજરે પુરવામાં આવ્યો હતો. મગરને અડધા કલાકની જહેમત બાદ પાંજરે સહી સલામત પુરવામાં આવ્યો અને તેના રહેઠાણ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો.
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં નેચર હેલ્પ ફાઉન્ડેશન માંથી રાહુલ સોલંકી, અલ્કેશ મુરલી, નીલેશ પારેખ, પ્રિયા પંચાલ તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની મુખ્ય કામગીરી હતી. સંસ્થાના પ્રમુખ રાહુલ સોલંકીના જણાવ્યા અનુસાર, ઉનાળામાં ગામના તળાવ સુકાઈ જવાના કારણે ઘણી વખત મગર સ્થળાંતર કરતા હોય છે. આ માર્શ ક્રોકોડાઈલ છે. જેનો મુખ્ય ખોરાક માછલી, નાના પક્ષીઓ અને કયારેક બિલાડી, કુતરા હોય છે, તે માણસ પર હુમલો કરતો નથી.