- કોરોનાને કારણે 108ના શિરે જવાબદારી વધી
- હોસ્પિટલ્સમાં વેઈટિંગના કારણે 108ને દર્દી સાથે રાહ જોવી પડે છે
- દૈનિક સરેરાશ કોલ્સ અને હોસ્પિટલ્સના વેઈટિંગથી રિસ્પોન્સ ટાઈમ વધ્યો
આણંદ: હાલમાં કોરોનાને કારણે સમગ્ર શહેર-જિલ્લાની સ્થિતિ ખૂબ જ નાજૂક છે. કોઈ પણ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીને 108 મારફતે દાખલ કરાવવો હોય તો તે માટે 108ની ટીમને 3થી 4 કલાક રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાયેલી છે. એક સમયે દિવસમાં 4થી 5 કોલ મેળવતી 108ની ટીમને હાલમાં પ્રતિદિન 70થી 80 કોલ મળી રહ્યા છે. જેમાં 90 ટકા કોલ્સ તો કોવિડ દર્દીઓના જ હોવાનું 108ના ડિસ્ટ્રિક્ટ ઇન્ચાર્જે જણાવ્યું છે.
આણંદમાં એક સમયે દિવસમાં 4થી 5 કોલ મેળવતી 108ની ટીમને હાલ રોજ 70થી 80 કોલ મળી રહ્યા છે કેટલાક કિસ્સાઓમાં દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ 6-8 કલાક ઓક્સિજન આપવો પડે છે
આણંદ જિલ્લાના 108ના અનુભવ અનુસાર, હોસ્પિટલ્સમાં જગ્યાના અભાવે દર્દીઓને ઝડપથી દાખલ કરાતા નથી. જો દર્દીઓને ઝડપથી દાખલ કરવામાં આવે તો ઘરે 108ની રાહ જોતા બીજા દર્દીઓ પાસે વેળાસર પહોંચી શકાય. જોકે, આ સ્થિતિને પગલે 108માં દર્દીઓને આઠેક કલાક ઓક્સિજન આપવો પડ્યો હોવાની સ્થિતિ પણ ઉદ્ભવી છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એમ્બ્યુલન્સનો સ્ટાફ દિવસ રાત સતત સજાગ રહીને અને ખૂબ હિંમતપૂર્વક કામ કરીને વધારેથી વધારે દર્દીઓને 108ની સેવા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.